લૉકડાઉન ખોલવાથી ભારતમાં વ્યાપક સમુદાય સંક્રમણનો ખતરો : આરોગ્ય નિષ્ણાત

16 May, 2020 12:55 PM IST  |  Mumbai Desk | Agencies

લૉકડાઉન ખોલવાથી ભારતમાં વ્યાપક સમુદાય સંક્રમણનો ખતરો : આરોગ્ય નિષ્ણાત

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં લૉકડાઉનમાં રાહત આપવાની વિચારણાને પગલે સમુદાયમાં કોરોના વાઇરસનું સંક્રમણ ગંભીર રીતે ફેલાવાના ખતરાની સંભાવના હોવાનું ટોચના આરોગ્ય નિષ્ણાત જણાવે છે. લૉકડાઉનમાં છૂટછાટને કારણે વ્યાપક રીતે સમુદાયમાં કોરોના વાઇરસ ફેલાઈ શકે છે.

બીજી તરફ કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે ભારતમાં કોરોના વાઇરસ સમુદાયમાં (સ્ટેજ - થ્રી) ફેલાઈ ચૂક્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીના મતે જો કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે કોઈના સંપર્કમાં આવ્યો નથી તેમ છતાં તેનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળે છે તો નિશ્ચિતરૂપે તે સમુદાયથી ફેલાયો છે અને આવા કેસો સંખ્યાબંધ છે. તેમ છતાં સમુદાયમાં સંક્રમણ એ વ્યાખ્યાની બાબત છે. મોટાભાગના કેસમાં વિદેશથી પરત ફરેલા લોકોથી અથવા તેમના સંપર્કમાં આવવાથી થયા હોવાનું જણાયું છે. કેટલાક નિષ્ણાત વર્તમાન તબક્કાને સ્ટેજ- ટૂ ગણાવી રહ્યા છે અને તેને ટ્રેસેબલ ટ્રાન્સમિશન ગણે છે, આને અણધાર્યો સમુદાય પ્રસાર ન ગણી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. સમુદાયમાં પ્રસાર એ વ્યાખ્યા અને ભાષાની બાબત છે જેના મુદ્દે વ્યાપક ચર્ચા થવી જરૂરી છે તેમ રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું.

કોરોના મહામારી જે દેશમાં જોવા મળી છે તેમાં સમુદાય પ્રસાર મોટાપાયે જોવા મળ્યો છે અને ભારતે પણ આના માટે તૈયાર રહેવું પડશે. આ ખતરાને નિયંત્રિત કરવા માટે ભારતે તમામ તકેદારીનાં પગલાં લેવા પડશે. ડૉ. રેડ્ડી હાલમાં હાર્વર્ડમાં રોગશાસ્ત્રીના સંયોજક પ્રોફેસર છે, તેમના મતે ભારતમાં સમુદાય પ્રસારની ભીતિ જ નહીં પરંતુ ગંભીર જોખમ રહેલું છે. તેમના મતે વિશ્વમાં અન્ય દેશોની તુલનાએ દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત અને મલેશિયા સહિતના દેશોમાં કોવિડ ૧૯નો મૃત્યુદર વસ્તીના પ્રત્યેક ૧૦ લાખે ઘણો નીચો છે.

national news coronavirus lockdown covid19