હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા તો દિલ્હીમાં લગાવવું પડશે લૉકડાઉન : કેજરીવાલ

12 April, 2021 11:08 AM IST  |  New Delhi | Agency

દિલ્હીમાં નોંધાયેલા કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસમાંથી લગભગ ૬૫ ટકા જેટલા કેસ ૩૫ વર્ષ કરતાં ઓછી વયજૂથના લોકોના હોવાનું દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. 

અરવિંદ કેજરીવાલ

દેશની રાજધાની દિલ્હી ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. દિલ્હીમાં નોંધાયેલા કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસમાંથી લગભગ ૬૫ ટકા જેટલા કેસ ૩૫ વર્ષ કરતાં ઓછી વયજૂથના લોકોના હોવાનું દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. 
દિલ્હીમાં કોવિડ-19ની ચોથી લહેર છે, જેમાં પરિસ્થિતિ ઘણી જ વકરી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોવિડ-19ના ૧૦,૦૦૦ કરતાં વધુ કેસ નોંધાયા છે, જે ઘણી ચિંતાજનક બાબત છે, એમ જણાવતાં અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકાર શહેરમાં ફેલાયેલી કોરોના વાઇરસની ચોથી લહેરનો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ છે તથા ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં આરોગ્ય વ્યવસ્થામાં આવશ્યક સુધારાઓ કરવામાં આવ્યા છે. 
દરમ્યાન અરવિંદ કેજરીવાલે લોકોને કોરોના વાઇરસનાં ગંભીર લક્ષણો જણાય તો જ હૉસ્પિટલમાં દાખલ થવા વિનંતી કરી છે. સામાન્ય લક્ષણો જણાતાં પણ લોકો હૉસ્પિટલમાં દોડી જાય છે. જો આ જ રીતે હૉસ્પિટલો ભરાતી રહેશે તો ઇમર્જન્સી આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગશે. ગંભીર નહીં હોય એવા પેશન્ટ્સ આઇસીયુ બેડ રોકી રાખશે અને જો આમ થશે તો નાછૂટકે લૉકડાઉન લાગુ કરવા સિવાય સરકાર પાસે કોઈ વિકલ્પ નહીં બચે. 

મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ આવશે તેણે ક્વૉરન્ટીન થવું પડશે

નવી ગાઇડલાઇન્સ પ્રમાણે હવાઈ જહાજ દ્વારા મહારાષ્ટ્રથી દિલ્હી આવનારા તમામ મુસાફરોએ રાજધાનીમાં એન્ટ્રી માટે મુસાફરીથી આશરે ૭૨ કલાક સુધી જૂની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. મહારાષ્ટ્રથી નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર આવનાર લોકોને ૧૪ દિવસ ક્વૉરન્ટીન કરવામાં આવશે. જોકે બંધારણીય અને સરકારની મશીનરી સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવશે. 

national news delhi news arvind kejriwal