Lockdown 4.0 મહારાષ્ટ્ર 31 મે સુધી લંબાવાયું રાજ્યવ્યાપી લૉકડાઉન

17 May, 2020 02:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Lockdown 4.0 મહારાષ્ટ્ર 31 મે સુધી લંબાવાયું રાજ્યવ્યાપી લૉકડાઉન

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસના કહેર દરમિયાન મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન લંબાવવો નિર્ણય લઈ લીધો છે. પંજાબ પછી હવે મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. રાજ્યના મુખ્ય સચિવ અજય મહેતાએ લૉકડાઉન લંબાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ રીતે પંજાબ અને મહારાષ્ટ્રએ ઔપચારિક રીતે લૉકડાઉન 4.0ની જાહેરાત કરી છી. મહારાષ્ટ્ર દેશનું એ રાજ્ય છે, જ્યાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ છે. હકીકતે, કેન્દ્ર સરકારે પહેલાથી જ જાહેર કરી દીધું હતું કે લૉકડાઉન 4.0 લાગૂ પાડવામાં આવશે, પણ તેની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના લૉકડાઉન જાહેર કરવાના એક દિવસ પહેલા એટલે કે શનિવારે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવી રહ્યું છે. પણ સરકાર કર્ફ્યૂના જે પ્રતિબંધો છે તે હટાવી દેશે. મુખ્યમંત્રીએ કહ્યું '18 મેથી રાજ્યમાં કર્ફ્યૂ નહીં હોય.' પણ લૉકડાઉન 31 મે સુધી લાગૂ રહેશે. તેમણે સંકેત આપ્યા છે કે 18મેથી અમુક હદ સુધી સાર્વજનિક પરિવહન પણ થવા લાગશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર 18મેથી વધારે છૂટની જાહેરાત કરશે, પણ સાથે જ તેમણે રાજ્યમાં કોવિડ-19 ફેલાવાથી અટકાવવા માટે લોકો સામે મદદ માગી. અમરિંદર સિંહે કહ્યું કે, "હું 18મી મેથી મોટાભાગની દુકાનો અને નાના ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપીશ. મુખ્યમંત્રીએ કહ્યું કે આ દરમિયાન શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે." સાથે જ તેમણે કહ્યું કે ખાનગી શાળાઓની ફીમાં કોઇ વધારો નહીં થાય.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ:
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ આખા દેશમાં સૌથી વધારે છે. કોવિડ-19ના મહારાષ્ટ્રમાં કુલ 20706 પૉઝિટીવ કેસ મળી ચૂક્યા છે. જેમાંથી 7088 લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધારે 1135 લોકોના મૃત્યુ થયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ:
ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4987 નવા કેસ સામે આવ્યા છે અને લગભગ 120 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે જાહેર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશભરમાં કોરોના વાયરસના કેસ વધીને 90927 જેટલા થઈ ગયા છે અને કોવિડ-19ને કારણે અત્યાર સુધી 2872 લોકોના મોત થઈ ગયા છે. કોરોનાના કુલ 90927 કેસોમાંથી 53946 એક્ટિવ કેસ છે, તો 34108 લોકોને હૉસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે અને તે સ્વસ્થ થઈ ગયા છે. 

maharashtra coronavirus covid19 lockdown