સ્મશાનભૂમિની માગણી માટે બીડમાં હાઇવે પર રસ્તારોકો

22 September, 2019 02:58 PM IST  |  ઔરંગાબાદઃ (પી.ટી.આઇ.)

સ્મશાનભૂમિની માગણી માટે બીડમાં હાઇવે પર રસ્તારોકો

પ્રતીકાત્મક તસવીર

બીડ જિલ્લાના ગામવાસીઓએ ધુળે-સોલાપુર રોડ (રાષ્ટ્રીય ધોરી માર્ગ-નંબર બાવન) પર મૃતકની નનામી મૂકીને રસ્તારોકો આંદોલન કરતાં કલાકો સુધી વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. સ્મશાનભૂમિ માટે જમીન ફાળવવામાં વહીવટીતંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરવાના ઉદ્દેશથી રસ્તારોકો આંદોલન કરતા ગામવાસીઓ સરકારી અમલદારોએ વહેલી તકે માગણી સંતોષવાની બાંયધરી આપ્યા પછી રસ્તા પરથી હટી ગયા હતા અને મૃતકના અગ્નિસંસ્કાર કર્યા હતા.
બીડ જિલ્લાના ગેવરાઈ તાલુકાના ન્યુ નાગઝરી ગામની રહેવાસી ૧૯ વર્ષની મનીષા અણ્ણાસાહેબ શિંદે બીમારીને કારણે ગુરુવારે રાતે મૃત્યુ પામી હતી. ૮૦૦ જણની વસ્તી ધરાવતા ન્યુ નાગઝરી ગામમાં સ્મશાન નહીં હોવાથી મનીષાના કુટુંબીજનોને અગ્નિસંસ્કાર માટે જગ્યા મળી નહોતી. ગ્રામ પંચાયતે ચાર વર્ષ પહેલાં સ્મશાનભૂમિ માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને મોકલી હતી. બે મહિના પહેલાં સ્મશાનભૂમિની માગણી ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ન્યુ નાગઝરીના રહેવાસીઓએ આપી હતી.

aurangabad national news