વડા પ્રધાનપદની મહત્વાકાંક્ષા વિશે અડવાણીએ જાળવી રાખ્યું સસ્પેન્સ

09 November, 2012 05:23 AM IST  | 

વડા પ્રધાનપદની મહત્વાકાંક્ષા વિશે અડવાણીએ જાળવી રાખ્યું સસ્પેન્સ

ગઈ કાલે નવી દિલ્હીમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી પાર્ટીએ જન્મ દિવસે તમને શું ગિફ્ટ આપી છે? ત્યારે અડવાણીએ કહ્યું હતું કે ‘જ્યારે કોઈ મને કહે છે કે તમે વડા પ્રધાન બની શક્યા હોત ત્યારે હું તેમને કહું છું કે પાર્ટીએ જીવનભર મને ઘણું આપ્યું છે. પાર્ટી પાસેથી મને જે મળ્યું છે એ વડા પ્રધાનપદ કરતાં પણ અનેક ગણું વધારે છે.’

અડવાણી પર ગઈ કાલે દેશભરમાંથી અભિનંદનનો વરસાદ થયો હતો. માત્ર બીજેપીના નેતાઓ જ નહીં પણ અન્ય પાર્ટીના નેતાઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. અડવાણીને શુભેચ્છા પાઠવનારાઓમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અન્સારી, વડા પ્રધાન મનમોહન સિંહ  અને સંસદનાં બન્ને ગૃહના વિરોધ પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. મતભેદો હોવા છતાં બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી પણ પૃથ્વીરાજ રોડ પર આવેલા નિવાસસ્થાને તેમને મળવા આવ્યા હતા. ગડકરી અને અડવાણી વચ્ચે માત્ર ૧૫ મિનિટ મુલાકાત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગડકરી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ અડવાણી સાથેના તેમના સંબંધો વધુ વણસ્યા હતા. હમણાં જ ગડકરીનું ભાવિ નક્કી કરવા મળેલી બીજેપીની કોર કમિટીની બેઠકમાં પણ અડવાણીએ હાજરી આપી ન હતી. અડવાણી બીજેપી પ્રમુખ પદેથી ગડકરીને દૂર કરવા માંગતા હતા. જો કે સુષમા સ્વરાજ, અરુણ જેટલી સહિતના નેતાઓ ગડકરીને ચાલુ રાખવાના પક્ષમાં હતા.