ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તૈયારીમાં સરકાર

25 January, 2020 01:04 PM IST  |  New Delhi

ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તૈયારીમાં સરકાર

આધાર કાર્ડ

પાન કાર્ડ બાદ હવે તમારા વોટર આઇડી કાર્ડને પણ આધારકાર્ડ સાથે લિન્ક કરાવવું જરૂરી બની શકે છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે કાયદા મંત્રાલયે ચૂંટણીપંચ તરફથી આવેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે એ અંગે ખાતરી જરૂરી છે કે આ પ્રક્રિયા દરમ્યાન ડેટા ચોરી થતી રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રિપોર્ટ પ્રમાણે આધારકાર્ડને વોટર આઇડી સાથે લિન્ક કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયે અમુક શરતો સાથે હા પાડી છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી હવે ચૂંટણી પંચને વોટર આઇડીને આધારકાર્ડ સાથે લિન્ક કરવા માટેનો કાયદાકીય અધિકાર મળી શકે છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે આ પહેલાં ફેબ્રુઆરી ૨૦૧૫માં આધારને વોટર આઇડી કાર્ડ સાથે જોડવાની કવાયત શરૂ કરી હતી. આ સમયે એચ. એસ. બ્રહ્મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

જોકે સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર વિતરણ વ્યવસ્થા, એલપીજી અને કેરોસીનના વિતરણમાં આધારના ઉપયોગ પર રોક લગાવતા આ કવાયત બંધ કરી દેવામાં આવી હતી. જોકે ચૂંટણી પંચે આ પહેલાં જ આધાર સાથે ૩૮ કરોડ વોટર આઇડી કાર્ડ લિન્ક કરી દીધા હતા.

ઑગસ્ટ ૨૦૧૯માં ચૂંટણીપંચે કાનૂન સચિવને એક પત્ર લખીને જનપ્રતિનિધિ કાયદો ૧૯૫૦ અને આધાર અધિનિયમ ૨૦૧૬માં સંશોધન માટે પ્રસ્તાવ આપ્યો હતો જેનાથી મતદાર યાદીમાં પણ ગરબડથી બચી શકાય. જનપ્રતિનિધિત્વ કાનૂનના પ્રસ્તાવિત સંશોધન પ્રમાણે, ઇલેક્ટ્રોરલ રજિસ્ટ્રેશન ઑફિસર મતદાતાઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તેમની પાસે આધાર નંબર માગી શકે છે.

Aadhar national news new delhi