અનંતનાગની ગલીઓમાં ફરતા દેખાયા લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ

28 December, 2025 08:16 AM IST  |  Anantnag | Gujarati Mid-day Correspondent

CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યા, તેમને શોધવા સર્ચ-ઑપરેશન શરૂ

CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યા લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ

અનંતનાગની ગલીઓમાં પાકિસ્તાનની આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ ફરતા જોવા મળ્યા બાદ કાશ્મીરમાં સર્ચ-ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. CCTV કૅમેરામાં બે આતંકવાદીઓ જોવા મળ્યા બાદ સાઉથ કાશ્મીરમાં સુરક્ષા-એજન્સીઓ ફરી એક વાર હાઈ અલર્ટ પર છે. એક આતંકવાદીની ઓળખ મોહમ્મદ લતીફ ભટ તરીકે થઈ છે.

CCTV ફુટેજમાં આતંકવાદીઓ અનંતનાગની ગલીઓમાં દેખાતાં મોટા ષડ‌્યંત્રની આશંકાથી આર્મી અને પોલીસે સંયુક્ત રીતે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

સુરક્ષા-એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને અનંતનાગ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં વિશાળ ઘેરાબંધી કરી હતી. બન્ને આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં ભાગી ન જાય એ માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાદળોને ચોક્કસ ઇનપુટ્સ મળ્યા બાદ પસંદગીના વિસ્તારોમાં ઘરે-ઘરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૈનિકો દરેક શંકાસ્પદ સ્થાનની તપાસ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ જોવા મળે તો પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જંગલમાંથી મળ્યા વિસ્ફોટકો સુરક્ષાદળોને ૨૪ ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના એક જંગલ વિસ્તારમાંથી વિસ્ફોટકો અને દારૂગોળો મળી આવ્યા હતા. શાલેબુથના જંગલમાં એક ઝાડ નીચે એક છુપાયેલા સ્થળેથી ૪ ચાઇનીઝ ગ્રેનેડ, ૧૯ UBGL ગોળીઓ અને ૪૬ રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો હતો.

jammu and kashmir terror attack pakistan india national news news central reserve police force crpf