10 March, 2025 09:07 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ
રાજસ્થાનના જયપુરમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને પાનમસાલાની કથિત રીતે ભ્રામક જાહેરાત કરવા માટે બૉલીવુડ ઍક્ટરો શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારી છે.
કમિશને વિમલ પાનમસાલા બનાવતી કંપની જે. બી. ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન વિમલ કુમાર અગ્રવાલને પણ આવી નોટિસ ફટકારી છે અને તમામ પક્ષોને ૧૯ માર્ચે તેમની સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી એ દિવસે સવારે ૧૦ વાગ્યે થશે. પાંચમી માર્ચે હિન્દીમાં જાહેર કરવામાં આવેલી નોટિસમાં કમિશનના અધ્યક્ષ ગ્યારસીલાલ મીણા અને મેમ્બર હેમલતા અગ્રવાલે જણાવ્યું હતું કે જો તમે રૂબરૂ અથવા તમારા અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહેવામાં નિષ્ફળ જાઓ તો ઉપરોક્ત સુનાવણીની તારીખે ફરિયાદનો નિર્ણય એકતરફી લેવામાં આવશે.
કમિશને તમામને નોટિસ મળ્યાના ૩૦ દિવસમાં તેમનો જવાબ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જયપુરના ૬૮ વર્ષના ઍડ્વોકેટ યોગેન્દ્ર સિંહ બડિયાલની ફરિયાદના આધારે આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે જાહેરાતમાં ‘દાને દાને મેં હૈં કેસર કા દમ’ લખેલું છે. અરજદાર નંબર વન જે. બી. ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયા કમાઈ રહી છે, પણ સામાન્ય માણસ આ પાનમસાલાનું નિયમિત સેવન કરે છે અને એ તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ કૅન્સર જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપે છે. ઉપરોક્ત ઉત્પાદનમાં કેસર જેવા કોઈ પદાર્થનું મિશ્રણ નથી. બજારમાં કેસરનો ભાવ ૪ લાખ રૂપિયે કિલો છે અને પાનમસાલા માત્ર પાંચ રૂપિયામાં વેચાય છે. ખોટી માહિતી અને સામાન્ય જનતાને છેતરવા માટે તેમણે પ્રચારમાં સામેલ કલાકારો સામે કાર્યવાહીની માગણી કરી છે.