અમેરિકા ટૅરિફ ન ઘટાડે ત્યાં સુધી નિર્મલાબહેન તમે જ કંઈક કરો

25 September, 2025 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્વેલરી બિઝનેસના કપરા દિવસોને હળવા કરવા સરકાર કઈ રીતે સહાય કરી શકે એનાં સૂચનો આપીને ઘટતું કરવાની અરજી કરી હતી

ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ સાથે GJEPCના કિરીટ ભણસાલી, શૌનક પરીખ, સબ્યસાચી રે અને કે. કે. દુગલ.

કંઈક આવી માગણી સાથે દેશની અગ્રણી સંસ્થા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અગ્રણીઓ ગઈ કાલે ફાઇનૅન્સ મિનિસ્ટરને મળ્યા હતા અને જ્વેલરી બિઝનેસના કપરા દિવસોને હળવા કરવા સરકાર કઈ રીતે સહાય કરી શકે એનાં સૂચનો આપીને ઘટતું કરવાની અરજી કરી હતી

અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદતાં સૌથી વધુ પ્રભાવિત બિઝનેસમાં રત્ન અને આભૂષણનો સમાવેશ થાય છે. હીરા અને દાગીના બનાવતા વેપારીઓને સરકાર દ્વારા જો સમયસર રાહત નહીં મળે તો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી રોજગારી પર એની અસર દેખાવી શરૂ થઈ શકે છે. જ્યાં સુધી ભારત-અમેરિકા વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલે નહીં ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સરકાર આ ક્ષેત્રને ડૂબતું બચાવવા રાહતનાં કેટલાંક પગલાં લે એવી અપીલ સાથે ગઈ કાલે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅન કિરીટ ભણસાલી, વાઇસ ચૅરમૅન શૌનક પરીખ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે અને પૉલિસી ડિરેક્ટર કે. કે. દુગલે ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. 

આ વિશે વધુ માહિતી આપતાં કિરીટ ભણસાલીએ કહ્યું હતું કે ‘અમે વાણિજ્ય પ્રધાનને વિનંતી કરી છે કે અત્યારે એક્સપોર્ટ ઓછું થવાને કારણે સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (SEZ)ના યુનિટમાં રિવર્સ જૉબવર્કની અનુમતિ સરકાર આપે જેથી વગર કામે બેસી રહેવાને બદલે કારીગરો ડોમેસ્ટિક માર્કેટ માટે કામ કરી શકે. બીજા નંબરે અત્યારે બદલાયેલા ડાયનૅમિક્સને કારણે પહેલાં થયેલા એક્સપોર્ટના પેમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે એટલે બૅન્ક દ્વારા અપાતા ક્રેડિટ-ટાઇમને લંબાવવામાં આવે. એ સાથે જ દિવાળી સુધી તો રત્નકલાકારો પાસે લૅબગ્રોન ડાયમન્ડનું કામ છે, પરંતુ એ પછી પણ જો ટૅરિફના મુદ્દે કોઈ સ્પષ્ટતા ન આવી તો કામ આપી શકવા માટે વેપારીઓ અસમર્થ થઈ જશે એટલે તેમના માટે સરકાર કોઈ રાહત-પૅકેજ જાહેર કરે.’

national news india nirmala sitharaman business news goods and services tax tariff united states of america finance news finance ministry