આસામમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં 20 જણનાં મોત

03 June, 2020 09:44 AM IST  |  Dispur | Agencies

આસામમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં 20 જણનાં મોત

વરસાદી તારાજી : આસામમાં ભારે વરસાદને કારણે માત્ર પૂરથી તારાજી નથી થઈ પણ રાજ્યના દિક્ષણના વિસ્તારોમાંના કચાર જિલ્લામાં વરસાદથી ભેખડો ધસી પડતા અનેક લોકોના જીવ ગયા હતા. તસવીર : એ.એફ.પી.

આસામમાં મંગળવારે ભૂસ્ખલનમાં લગભગ ૨૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. મૃતક મુખ્ય રૂપથી દક્ષિણી આસામના બરાક ઘાટી ક્ષેત્રના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ સાથે સંબંધ રાખે છે. આ ઘટનામાં કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે. જો કે બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. મૃતકોમાંથી સાત કછાર જિલ્લા, સાત હૈલાકાંડી જિલ્લા અને છ કરીમગંજ જિલ્લામાંથી છે. આ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય પહેલેથી જ મોટા પાયે પૂર સામે ઝઝૂમી રહ્યાં છે. જેનાથી લગભગ ૩.૭૨ લાખ લોકો પ્રભાવિત થયા છે.

હૈલાકાંડી જિલ્લામાં બે ભૂસ્ખલનની દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે. આસામનાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે જિલ્લા પ્રશાસનને ઘાયલ વ્યક્તિઓની મદદ માટે આવશ્યક પગલાં લેવા અને મૃતક વ્યક્તિઓના પરિવારજનોને વળતરની રકમ આપવાનો પણ નિર્દેશ કર્યો છે.

ગોલપારા જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે. ત્યાર બાદ નાગાંવ અને હોજાઇ જિલ્લા પ્રભાવિત છે. પૂરમાં છ લોકોનાં મોત પણ નીપજ્યાં છે અને ૩૪૮ ગામડાંઓ પાણીની અંદર ડૂબી ગયાં છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીનું કહેવું એમ છે કે લગભગ ૨૭,૦૦૦ હેક્ટરમાં પાક ખરાબ થઈ ચૂક્યો છે.

કરીમગંજ જિલ્લાનાં કાલીગંજ વિસ્તારમાં મંગળવારે જોરદાર ભૂસ્ખલન થયું. આ વિસ્તાર બંગલાદેશ બોર્ડર સાથે જોડાયેલો છે. અહીં ૬ લોકો પહાડીના કાટમાળ નીચે દટાઈ ગયા. આ ૬ લોકોમાંથી ૫ મૃતક એક જ પરિવારના હતા. ઘટનાના સમયે તેઓ પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે ઘર સહિત તમામ લોકો જીવતા દફન થઈ ગયા.

national news assam