Manipur Landslide: મણિપુરમાં ભૂસ્ખલનમાં 7નાં મોત, 25 સૈનિકો કાટમાળ નીચે દબાયા

30 June, 2022 05:41 PM IST  |  Imphal | Gujarati Mid-day Online Correspondent

ખરાબ હવામાન અને વારંવાર ભૂસ્ખલનને કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણ આવી રહી છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

મણિપુરની ઇમ્ફાલ-જીરીબામ રેલવે લાઇનની સુરક્ષા માટે તહેનાત ભારતીય સેનાની પ્રાદેશિક સેનાના સ્થાન પર ભૂસ્ખલનને કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે. મણિપુરના નોને જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 25 સૈનિકો દટાયા હોવાના અહેવાલ છે. ખરાબ હવામાન અને વારંવાર ભૂસ્ખલનને કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણ આવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ આ ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, TAની 107 કંપનીઓ 29-30 જૂનની રાત્રે નોને જિલ્લાના તુપલ રેલવે સ્ટેશન નજીક ભારે લેન્ડ-સ્લાઇડની ચપેટમાં આવી ગઈ હતી. નિર્માણાધીન મણિપુર-જીરીબામ રેલવે લાઇનની રક્ષા કરતા આ સ્થાન પર તહેનાત સૈનિકો હાજર હતા. લેન્ડ સ્લાઈડની ઘટના બાદ ભારતીય સેના અને આસામ રાઈફલ્સે સંપૂર્ણ બચાવ કામગીરી શરૂ કરી હતી.

રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ

રાહત અને બચાવ કામગીરી માટે રેલવેના ઓન-સાઇટ એન્જિનિયરિંગ પ્લાન્ટમાંથી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સવારે 5.30 વાગ્યા સુધી 13 જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને આર્મી મેડિકલ યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ સૈનિકોને ઇમ્ફાલ અને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી

સેનાના જણાવ્યા અનુસાર ખરાબ હવામાન અને ફરીથી ભૂસ્ખલન થવાના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ લાપતા જવાનોની શોધ ચાલુ છે. આર્મી હેલિકોપ્ટર પણ સ્ટેન્ડબાય પર છે અને હવામાન સાફ થવાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 25 સેનાના જવાન ગુમ છે. ભૂસ્ખલનને કારણે સ્થાનિક ઇલજાઈ નદીના પ્રવાહને પણ અસર થઈ છે.

national news manipur