કામ પર જતી વખતે કે કામ પરથી આવતી વખતે અકસ્માત થયો તો એ ઑન-ડ્યુટી ઍક્સિડન્ટ ગણાશે

03 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે આપ્યો એક ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જો કર્મચારી ડ્યુટી પર જતો હોય અથવા ડ્યુટી પૂરી કરીને ઘરે પાછો ફરતો હોય ત્યારે અકસ્માત થાય તો અકસ્માત પાછળનું કારણ નોકરી સાથે સંબંધિત છે એટલે એને ‘ફરજ પર અકસ્માત’ ગણવામાં આવશે. ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આ બાબતે વિવિધ અદાલતોએ અલગ-અલગ અભિગમ અપનાવ્યો છે જેને કારણે મૂંઝવણ રહે છે.

બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો ઊલટાવ્યો
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બૉમ્બે હાઈ કોર્ટના જૂના નિર્ણયને ઊલટાવીને આવ્યો છે. ૨૦૧૧ના ડિસેમ્બરમાં બૉમ્બે હાઈ કોર્ટે એક આદેશ પસાર કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાનો હતો, જ્યાં એક વ્યક્તિ ડ્યુટી પર જતી વખતે માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામી હતી. જીવ ગુમાવનાર વ્યક્તિ ખાંડની મિલમાં ચોકીદાર તરીકે કામ કરતી હતી. તેની ડ્યુટી સવારે ૩થી ૧૧ વાગ્યા સુધી હતી અને ચોકીદાર તેના કાર્યસ્થળે જવા માટે રવાના થયો હતો. કાર્યસ્થળથી લગભગ પાંચ કિલોમીટર પહેલાં રસ્તામાં એક અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં લેબર રિલીફ કમિશનર અને સિવિલ જજે તેના પરિવારને વ્યાજ સાથે ૩,૨૬,૧૪૦ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે બાદમાં બૉમ્બે હાઈ કોર્ટે આ આદેશ રદ કરતાં કહ્યું હતું કે અકસ્માત કાર્યસ્થળ પર થયો નથી તેથી વળતર વાજબી નથી.
સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈ કોર્ટના આ નિર્ણયને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે જો કોઈ કર્મચારી કાર્યસ્થળ પર ગયો હોય અને એ સમય દરમ્યાન અકસ્માત થાય છે તો એને ડ્યુટી સંબંધિત ગણવામાં આવશે. જોકે સમય, સ્થળ અને સંજોગોમાં એ સાબિત થવું જોઈએ કે અકસ્માતને સીધો ડ્યુટી સાથે સંબંધ છે.

supreme court bombay high court social media new delhi road accident train accident national news news