19 October, 2026 03:51 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પરિવારે હૉસ્પિટલની બહાર ખુલ્લામાં કરી અંતિમ વિદાયની વિધિ
માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાંથી સામે આવી છે. અહીં કૅન્સર સામે લાંબી લડાઈ લડ્યા બાદ દમ તોડી ચૂકેલી ૩૧ વર્ષની પૂજા રજક નામની યુવતીને પોતાના ભાડાના ઘરમાંથી અંતિમ વિદાય પણ નસીબ થઈ શકી નહોતી. મકાનમાલિકે ઘરમાં નવરાત્રિનો કાર્યક્રમ ચાલી રહ્યો હોવાનું બહાનું કાઢીને મહિલાના મૃતદેહને ઘરમાં લાવવાની ના પાડી દીધી હતી.
પરિણામે લાચાર અને ગરીબ પરિવારે જિલ્લા-હૉસ્પિટલના શબઘર પાસે ખુલ્લા મેદાનમાં જ દીકરીના અંતિમ સંસ્કાર પહેલાંની ધાર્મિક વિધિઓ કરી હતી.
પૂજાનો પરિવાર છેલ્લાં ૪ વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હતો. દીકરીના અવસાન બાદ પરિવાર મૃતદેહને ઘરે લઈ જવા માગતો હતો જેથી તેની અંતિમયાત્રા નીકળી શકે, પરંતુ મકાનમાલિકે ઘરમાં નવરાત્રિની પૂજા ચાલી રહી હોવાનું કહીને મૃતદેહ લાવવાનો સખત ઇનકાર કરી દીધો હતો.
મૂળ બદરવાસની પૂજાનાં લગ્ન ઇન્દોરના રાકેશ લશ્કરી સાથે થયાં હતાં અને તેને બે દીકરીઓ તેમ જ એક દીકરો છે. પિતાના આક્ષેપ મુજબ પૂજાની તબિયત લથડતાં તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને પોતે બીજાં લગ્ન કરી લીધાં હતાં. પૂજાના મૃત્યુના સમાચાર મળતાં પતિ પોતાની બીજી પત્ની સાથે આવ્યો હતો અને હૉસ્પિટલ પરિસરમાં જ યોજાયેલી અંતિમવિધિમાં હાજરી આપી હતી.
નવરાત્રિમાં દેવીપૂજાના નામે મૃત્યુ પામેલી એક નારીના મૃતદેહને ઘરમાં લાવવા ન દેનારી આ અસંવેદનશીલ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જગાવ્યો છે.