લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી

24 January, 2021 12:22 PM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી

રાંચીની હોસ્પિટલમાં તબિયત વધુ બગડતા તેમને દિલ્હી લઈ જવાયા (તસવીર: પી.ટી.આઈ)

રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતાં તેમને દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઆઇઆઇએમએસ)માં દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું હતું. ફેફસાંમાં ઇન્ફેક્શન તેમ જ ક્રીટિનિન વધવાને કારણે લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (આરઆઇએમએસ)ના ડિરેક્ટર ડૉ. કમલેશ્વર પ્રસાદ તથા અન્ય તબીબોની ટીમે તેમને દિલ્હી એઆઇઆઇએમએસમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણયની જાણ ઝારખંડની જે જેલમાં લાલુ પ્રસાદ કેદી છે, એ જેલના વહીવટી તંત્રને પણ કરવામાં આવી છે. દરમ્યાન તેજસ્વી યાદવે તેમના પિતાની તબિયત વિશે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પણ માહિતી આપી હતી.  

શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે કોરોના ઇન્ફેક્શનની શક્યતા તપાસવા લાલુ પ્રસાદની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવી હતી, એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમની RT-PCR ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. લાલુ પ્રસાદનાં પત્ની રાબડીદેવી, બે પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ, મોટી પુત્રી મીસા ભારતી શુક્રવારે મોડી સાંજે રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં પહોંચી ગયાં હતાં. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટે લાલુ પ્રસાદ યાદવના આરોગ્યની સારસંભાળ માટે આઠ ડૉક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવ્યું છે.

national news lalu prasad yadav