Lakhimpur Kheri: પ્રિયંકા ગાંધીની ધરપકડ બાદ શિવસેનાએ સંયુક્ત વિપક્ષી કાર્યવાહીની હાકલ કરી

05 October, 2021 05:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સોમવારે વહેલી સવારે લખીમપુર ખેરી પહોંચેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીતાપુરમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા

ફાઇલ ફોટો

વિપક્ષી નેતાઓને લખીમપુર ખેરી જવાથી રોકવામાં આવતા શિવસેના નેતા સંજય રાઉતે મંગળવારે રાજકીય પક્ષો દ્વારા આ “જુલમ” સામે સંયુક્ત પગલું ભરવાની હાકલ કરી હતી અને આ સંદર્ભે રાહુલ ગાંધીને મળશે તેમ જણાવ્યું હતું.

સોમવારે વહેલી સવારે લખીમપુર ખેરી પહોંચેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીતાપુરમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને રવિવારે હિંસક અથડામણમાં આઠ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો તે ગામમાં પ્રવેશવાની મંજૂરી આપી નહોતી.

કોંગ્રેસ, આપ, સપા અને બસપા સહિતના વિપક્ષી દળોના અન્ય ઘણા નેતાઓને યુપી સરકારે અટકાયતમાં લીધા છે અને લખીમપુર ખેરી જતા અટકાવ્યા છે.

આ સંદર્ભે શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કર્યું હતું કે “લખીમપુર ખેરી હિંસાએ રાષ્ટ્રને હચમચાવી દીધું છે, યુપી સરકારે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે, વિપક્ષી નેતાઓને ખેડૂતોને મળવાથી અટકાવવામાં આવ્યા છે. યુપીમાં સરકાર દ્વારા જુલમ વિરુદ્ધ સંયુક્ત વિપક્ષી કાર્યવાહીની જરૂર છે.”

તેમણે એમ પણ કહ્યું કે તેઓ સંયુક્ત વિપક્ષની રણનીતિ બનાવવા માટે આજે સાંજે 4.15 વાગ્યે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે.

ઉલ્લેખનીય છે કે શિવસેના અને કોંગ્રેસ, એનસીપી સાથે મળીને, મહારાષ્ટ્રમાં સંયુક્ત રીતે મહા વિકાસ આઘાડી સરકાર ચલાવે છે, જ્યારે સેનાએ 2019માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધન છોડ્યું હતું.

national news shiv sena sanjay raut priyanka gandhi