મેઘાલય: કોલસા ખાણમાં 15 દિવસથી ફસાયા મજૂરો, બચાવકાર્ય ચાલુ

28 December, 2018 06:39 PM IST  |  શિલોંગ, મેઘાલય

મેઘાલય: કોલસા ખાણમાં 15 દિવસથી ફસાયા મજૂરો, બચાવકાર્ય ચાલુ

લગભગ 15 ખાણિયાઓ 13 ડિસેમ્બરના રોજ એક કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા.

મેઘાલયના જયંતી હિલ્સ જિલ્લામાં 15 મજૂરો કોલસાની ખાણમાં 15 દિવસથી ફસાયેલા છે. આ ફસાયેલા મજૂરોને બચાવવા માટે ઓડિશા ફાયર સર્વિસિઝની ટીમ પણ એક વિશેષ વિમાનમાં મેઘાલય જવા રવાના થઈ ગઈ છે, જેથી બચાવકાર્યમાં લોકલ એડમિનિસ્ટ્રેશનની મદદ કરી શકે. એનડીઆરએફની ટીમ બચાવકાર્યમાં લાગેલી છે. આ ઉપરાંત નેવીના ડૂબકીમારો પણ બચાવકાર્ય માટે રવાના થઈ ચૂક્યા છે. આ મુદ્દાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એવામાં ગુરૂવારે એનડીઆરએફ તરફથી ખાણમાં ફસાયેલા લોકોને લઈને એવી આશંકાઓ દર્શાવાઈ રહી છે કે જેનાથી આ મુદ્દો વધુ ગરમાઈ શકે છે.

લગભગ 15 ખાણિયાઓ 13 ડિસેમ્બરના રોજ એક કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા. આ 15 લોકોને બચાવવાનું કાર્ય સોમવારે અસ્થાયી રીતે અટકાવી દેવામાં આવ્યું હતું. નાયબ કમિશ્નર એફએમ દોપ્થે જણાવ્યું કે નવા પંપ મળ્યા પછી બચાવકાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે. નાયબ કમિશ્નરે કહ્યું, "પાણી કાઢવા માટે લગાવવામાં આવેલા પંપોમાંથી પાણીનું સ્તર નીચે કરી શકાયું નથી. એટલે આ કાર્યને અસ્થાયી રીતે અટકાવી દેવામાં આવ્યું.

સોમવારે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સિલવેસ્ટર નોંગટિંગરે કહ્યું કે રાહત અને બચાવ અભિયાનમાં રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના લગભગ 100 કર્મીઓ લાગેલા છે. પાણી ઘટવાની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે પાણીનું સ્તર લગભગ 30 ફૂટ જેટલું ઓછું થશે ત્યારે ડૂબકી લગાવનારાઓ પોતાનું અભિયાન ચાલુ કરશે. બચાવકાર્યમાં લાગેલી એનડીઆરએફ ટીમના કમાન્ડેન્ટ એસકે સિંહે કહ્યું કે ખાણમાં પાણીનું સ્તર હાલ 70 ફૂટ છે.

બુધવારે ખાણમાં પાણી ઘટ્યા પછી એનડીઆરએફની ટીમે ફરી બચાવકાર્ય શરૂ કર્યું. કેટલાંક ડૂબકીમારોને ફસાયેલા લોકોને શોધવા માટે મોકલવામાં આવ્યા પરંતુ સફળતા ન મળી. એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ સંતોષસિંહે જણાવ્યું કે, "પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે. આ સારા સંકેત નથી." જોકે તેઓ ભલે ખૂલીને કંઇ બોલ્યા ન હોય પરંતુ એનડીઆરએફના અધિકારીઓનું માનવું છે કે પાણીમાંથી દુર્ગંધનો અર્થ એ છે કે ખાણમાં ફસાયેલા લોકો મૃત્યુ પામ્યા છે. હવે તેમના મૃતદેહો પણ કદાચ ગળવાના શરૂ થઈ ગયા છે. કોઈના જીવતા હોવાની સંભાવના હવે બહુ નહિવત્ છે.

ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમના 70 લોકો હાજર છે. એનડીઆરએફએ સ્થાનિક વહીવટીતંત્ર પાસે ઓછામાં ઓછા દસ 100-એચપી પંપની માંગ કરી હતી, પરંતુ અત્યાર સુધી તે દિશામાં કોઈ પ્રયત્નો થયા નથી. એનડીઆરએફના અધિકારીઓ જણાવે છે કે 14 દિવસમાં ફક્ત ખાણમાં ફસાયેલા લોકોના 3 હેલમેટ જ મળી શક્યા છે. લગભગ 300 ફૂટ ઊંડી ખાણમાં ફસાયેલા લોકો વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા ગયેલા 15 લોકો 13 ડિસેમ્બરથી ખાણમાં ફસાયેલા છે. 13 ડિસેમ્બરના રોજ કુલ 20 લોકો ખાણમાં ઘૂસ્યા હતા, જેમાં પાંચ બહાર આવવામાં સફળ રહ્યા. તમામ લોકો ખાણમાં સાંકડી સુરંગોમાંથી ઘૂસ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, ખાણમાં ઘૂસેલા લોકોમાંથી કોઈએ ભૂલથી નદીની નજીકની દીવાલ તોડી નાખી જેનાથી સુરંગમાં પાણી ભરાઈ ગયું.

meghalaya