08 March, 2024 02:33 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent
ઇલેક્ટ્રિક શૉકની પ્રતીકાત્મક તસવીર
Kota Accident: રાજસ્થાનમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે મહાશિવરાત્રિ નિમિતે કોટા શહેરમાં શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરંટ લાગવાને કારણે 14 બાળકો દાઝી ગયા હતા. એક બાળકની હાલત નાજુક છે. તમામ બાળકોને એમબીબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આમ તો અહીં કાલી બસ્તી (Kota Accident)માં દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન શિવ શોભા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મોટાભાગના બાળકો તેમના પરિવારના સભ્યો વગર જ શિવ શોભાયાત્રામાં સામેલ થવા આવ્યા હતા. લોકોનું કહેવું છે કે આયોજકોની ભૂલને કારણે આ અકસ્માત થયો છે. આ કારણોસર જ્યારે આયોજકો હોસ્પિટલ પહોંચ્યા તો નારાજ પરિવારના સભ્યોએ તેમને માર માર્યો હતો.
કુનહડી થર્મલ ચોક પાસે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આ ભીષણ અકસ્માત સામે આવ્યો હતો. શિવ શોભાયાત્રામાં અનેક બાળકો હાથમાં ધજા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ધજા હાઇ ટેન્શન લાઇનને અડી ગયો હતો.
લાઇનને અડી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના (Kota Accident) બાદ એકાએક અફરાતફરી મચી ગઈ હતી. બાળકોને તાત્કાલિક એમબીબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એક બાળકની હાલત નાજુક છે. વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે.
શકતપુરમાં શિવરાત્રિ પર એક ધ્વજ હાઈ ટેન્શન લાઈન સાથે અડી ગયો હતો ત્યારબાદ જોરદાર વિસ્ફોટ (Kota Accident) થયો હતો. જેના કારણે આસપાસની વસાહતોમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહાશિવરાત્રીના અવસર પર કોટાના સકતપુરની કાલી બસ્તીમાં નીકળેલી યાત્રા દરમિયાન બાળકો મોટા પાઇપમાં ઝંડા ભરાવીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાઈપ હાઈ ટેન્શન લાઈનમાં અડી ગઈ અને કરંટ ફેલાઈ ગયો હતો.
ગુસ્સે ભરાયા વાલીઓ
અકસ્માત (Kota Accident)ની માહિતી મળતાની સાથે જ મેડિકલ ટીમને એલર્ટ કરવામાં છે, ઘાયલ બાળકોના સંબંધીઓએ હોસ્પિટલ પહોંચેલા આયોજકોને માર માર્યો હતો. આઈજી રવિદત્ત ગૌરે જણાવ્યું કે એક બાળક તો 70 ટકા જેટલો દાઝી ગયો હતો તે ઉપરાંત અન્ય એક બાળકને 50 ટકા જેટલો દાઝ લાગ્યો છે. બાકીના બાળકો 10 ટકા જેટલું દાઝી ગયા હતા. બાળકોની ઉંમર નવથી 16 વર્ષની હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતા જ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આવું કેમ થયું તેની તપાસ કરવામાં આવશે. દરેક વ્યક્તિ હાલમાં બાળકોની સારવારમાં વ્યસ્ત છે. એક બાળક ગંભીર છે. જો રેફરલની જરૂર હોય, તો તે પણ કરવામાં આવશે. બાળકોને પૂરતી સારવાર આપવામાં આવશે.