૨૦૨૧ સુધીમાં કલકત્તામાં પાણી નીચે દોડશે દેશની પ્રથમ મેટ્રો

29 July, 2019 09:37 AM IST  |  કલકત્તા

૨૦૨૧ સુધીમાં કલકત્તામાં પાણી નીચે દોડશે દેશની પ્રથમ મેટ્રો

પાણી નીચે દોડતી ટ્રેનમાં બેસવાની લોકોની ઇચ્છા હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. ભારતમાં નદી નીચે દોડતી પહેલી મેટ્રો રેલવેલાઇનનું મોટા ભાગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. કલકત્તા મેટ્રોની આ નવી લાઇન ફેઝ-વન પર ટૂંક સમયમાં મેટ્રો સર્વિસ શરૂ થશે. આ મેટ્રો લાઇનના લગભગ પાંચ કિલોમીટરના અંતરે સૉલ્ટ લેક સ્ટેડિયમથી સૉલ્ટ લેક સેક્ટર-પાંચ પર કમિશનર રેલવે સલામતી માટેની તપાસ મંગળવારે પૂર્ણ થઈ હતી. આશા વ્યક્ત થઈ રહી છે કે આ પ્રોજેક્ટને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. ત્યાર બાદ સામાન્ય જનતા માટે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

કલકત્તા મેટ્રોનો પૂર્વ-પશ્ચિમ પ્રોજેક્ટ લગભગ ૧૬ કિલોમીટર લાંબો છે, જે સૉલ્ટ લેક સ્ટેડિયમથી હાવડા ગ્રાઉન્ડ સુધી ફેલાયેલો છે. સૉલ્ટ લેક સેક્ટર-પાંચથી સૉલ્ટ લેક સ્ટેડિયમ વચ્ચે આ લાઇન પર કરુણમયી, સેન્ટ્રલ પાર્ક, સિટી સેન્ટર અને બંગાલ કેમિકલ મેટ્રો સ્ટેશન છે. કલકત્તા મેટ્રો ભારતીય રેલવે અંતર્ગત આવે છે અને રેલવે આ સમગ્ર પ્રોજેક્ટ પર ૮૫૭૨ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. ભારતમાં પ્રથમ વખત નદીના પટ હેઠળ પરિવહન ટનલ બનાવવામાં આવી છે. અહીં ઉપર અને નીચે બે ટનલ બનાવવામાં આવી રહી છે, જે લગભગ ૧.૪ કિલોમીટર લાંબી છે. અહીં હુગલી નદીની પહોળાઈ લગભગ ૫૨૦ મીટર છે અને આ નદીના પટ હેઠળથી મેટ્રો પસાર થશે.

આ પણ વાંચોઃ  આજે સંભાળજો, મુંબઈ-થાણેમાં ભારે વરસાદની ઑરેન્જ અલર્ટ

આ ટનલ બનાવવા માટે રશિયા અને થાઇલૅન્ડના નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે. બીજી તરફ વિશ્વની શ્રેષ્ઠ ટેક્નિકનો ઉપયોગ ટનલના પાણીના લીકેજને રોકવા માટે કરવામાં આવ્યો છે. એને પાણીના લીકેજથી બચાવવા માટે, સુરક્ષાકવચ તરીકે ત્રણ સ્તર બનાવવામાં આવ્યા છે. આ ટનલમાં મેટ્રો ટ્રેન ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

news kolkata national news