નંદીગ્રામમાં મમતા પર હુમલો, ઈજાને પગલે કલકત્તા પાછા ફરવું પડ્યું

11 March, 2021 09:29 AM IST  |  Nandigram | Agency

નંદીગ્રામમાં મમતા પર હુમલો, ઈજાને પગલે કલકત્તા પાછા ફરવું પડ્યું

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી નંદીગ્રામમાં ગઈ કાલે ઉમેદવારીપત્રક ભરવા માટે ગયાં હતાં ત્યારે પાંચેક વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં જીપમાં બેસેલાં મમતા બૅનરજી. તસવીર : પી.ટી.આઈ.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર પૂરબા મેદિનીપુરના નંદીગ્રામમાં બુધવારે હુમલો થયો હતો. બૅનરજીને પગમાં ઈજા થવાથી તેઓ કલકત્તા જવા રવાના થઈ ગયાં હતાં.

‘લગભગ પાંચેક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જુઓ સોજો આવી ગયો છે” એમ તેમણે પગ બતાવીને કહ્યું હતું. સાથે જ તેમણે આ હુમલાને ‘ષડયંત્ર’ ગણાવ્યું હતું.

‘નિઃશંકપણે આ ષડયંત્ર છે, મારી આસપાસ કોઈ સુરક્ષા કર્મચારીઓ નહોતા’ અેમ તેમણે જણાવ્યું હતું. અગાઉ મુખ્ય પ્રધાનની મુલાકાત ગુરુવાર સુધીની હોવાથી ત્યાં હાજર રહેલા તૃણમૂલના સંસદસભ્ય સુખેન્દુ શેખર રોયે યાદી પ્રસિદ્ધ કરી હતી.

‘ગઈ કાલે (મંગળવારે) નંદીગ્રામ બ્લૉક-૧ના લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યા બાદ મમતા બૅનરજીએ હલ્દિયા ખાતે નામાંકન ભર્યા બાદ નંદીગ્રામ બ્લૉક-૨નાં જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરોમાં પૂજા પણ કરી હતી. સર્વત્ર લોકોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. સાંજે આશરે ૬.૧૫ વાગ્યે જ્યારે તેઓ એક મંદિરમાં પૂજા કર્યા બાદ બિરુલિયા આંચલ જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને કાર તરફ હડસેલ્યા અને પરાણે દરવાજો બંધ કરી દીધો, પરિણામે તેમના ડાબા પગે ઈજા થઈ અને છાતીમાં પણ ભારે દુખાવો ઉપડ્યો અને યોગ્ય સારવારાર્થે તેઓ કલકત્તા જવા રવાના થઈ ગયાં હતાં’ અેમ રાયે જણાવ્યું હતું.

દીદીએ નંદીગ્રામમાં રણશિંગું ફૂંક્યું ઃ ઉમેદવારી નોંધાવી

મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી માટે નંદીગ્રામ બેઠક પર ઉમેદવારીપત્રક ભર્યું હતું. કેન્દ્ર સરકારના પ્રધાનો ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બીજેપીના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીના પ્રહારો અને તૃણમૂલ કૉન્ગ્રેસના વળતા પ્રહારોના દેકારા-પડકારાના માહોલમાં મમતાદીદીનો ઉમેદવારી નોંધાવવાનો પ્રસંગ નાટ્યાત્મક બન્યો હતો. હલ્દિયામાં બે કિલોમીટરનો રોડ-શો કર્યાં બાદ સબ-ડિવિઝનલ ઑફિસમાં મમતા બૅનરજીએ ઉમેદવારીપત્રક ભર્યું હતું.

રોડ-શો દરમ્યાન અને ઉમેદવારીપત્રક ભરતી વેળા તૃણમૂલ કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ સુવ્રત બક્ષી સહિત પક્ષના નેતાઓ મમતાદીદીની જોડે હતા. મમતાદીદીના સબ-ડિવિઝનલ ઑફિસ સુધીના પ્રવાસમાં રસ્તામાં લોકો ઢોલનગારાં અને વાજિંત્રો વગાડતાં હતાં. માર્ગમાં રે પાડા વિસ્તારમાં શિવ મંદિરમાં પૂજા પણ કરી હતી. તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજી અત્યાર સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ભવાનીપોર મતવિસ્તારમાંથી લડ્યાં હતાં, પરંતુ ગયા જાન્યુઆરી મહિનામાં નંદીગ્રામમાં જાહેર સભાને સંબોધી હતી. એ વખતે એપ્રિલ મહિનાની ચૂંટણી માટે નંદીગ્રામ મતક્ષેત્રને પસંદ કર્યું હોવાની જાહેરાત કરી હતી.

દરમિયાન, નંદીગ્રામમાં મમતાના મુખ્ય હરીફ તેમના જ પક્ષના ભૂતપૂર્વ નેતા સુવેન્દુ અધિકારી છે. સુવેન્દુએ ગઈ કાલે કહ્યું હતું કે ‘નંદીગ્રામમાં મમતા બહારની વ્યક્તિ કહેવાય. જો બીજેપી રાજ્યમાં સત્તા પર આવશે તો ચિટ ફંડ દ્વારા થયેલી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પાછા અપાવશે.’

ગવર્નરે લીધી મુલાકાત

પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધાનખર ગઈ કાલે ઈજા પામેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના ખબર પૂછવા અહીંની એસએસકેએમ હૉસ્પિટલમાં ગયા હતા, જોકે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ટીએમસીના સેંકડો કાર્યકરોએ ‘પાછા જાઓ’ની બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. નંદીગ્રામમાં અજાણ્યા તોફાની તત્ત્વોએ પોતાને ધક્કે ચડાવતાં પોતાને ડાબા પગમાં ઈજા થઈ હોવાનું મમતાએ જણાવ્યું હતું અને એની સારવાર માટે તેઓને આ હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.

national news mamata banerjee west bengal kolkata trinamool congress