19 August, 2026 10:09 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોલકાતામાં મોડી રાત્રે અગ્નિકાંડ (Kolkata Hotel Fire) થયો હતો. સેન્ટ્રલ કોલકાતાના ન્યૂ માર્કેટ પાસેની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલી એક પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અગનખેલમાં એક બાળક સહિત નવ લોકો ભડથું થઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે જ અન્ય ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બિલ્ડિંગમાં એકથી વધુ હોટેલો ચાલી રહી હતી અને રાતનો સમય હોઇ મોટા ભાગના મહેમાનો ભર નિંદરમાં હતા. અચાનકથી હોટેલમાં આગની જ્વાળાઓ અને ધુમાડો દેખાતાં અફરાતફરી મચી ગઈ હતી. આજે મધ્યરાત્રિએ આશરે ૧:૪૫ થી ૨:૦૦ વાગ્યાની આસપાસ આ કરુણાંતિકા થઇ હતી. આ હાદસાની ખબર મળતાં જ ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ૮૦થી વધુ લોકોને સેફલી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મૃતકોમાં ભારતીય નાગરિકોની સાથે બાંગ્લાદેશી નાગરિકો પણ સામેલ છે. કહેવાઈ રહ્યું છે કે આ બાંગ્લાદેશી નાગરિકો ટ્રીટમેન્ટ લેવા માટે કોલકાતા આવ્યા હતા.
આગ લાગ્યા બાદ આખું બિલ્ડિંગ ધુમાડાથી (Kolkata Hotel Fire) ઘેરાઈ ગયું હતું. અતિશય ધુમાડાને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફને પણ દાદરો ચડીને ઉપલના ફ્લોર સુધી પહોંચાવનું કપરુ થઇ પડ્યું હતું. અત્યાર સુધીમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ અમારી પ્રાથમિકતા એ છે કે બિલ્ડિંગમાં જે કોઈ લોકો ફસાયેલા છે તેને વહેલામાં વહેલી તકે બહાર કાઢીને બચાવી લઇએ. અમે આગ લાગવાનું કારણ પણ શોધી રહ્યા છીએ. આગની જ્વાળાઓ બુઝાવી દેવામાં આવી છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સદ્દનસીબે પશ્ચિમ બંગાળ ફાયર ડિપાર્ટમેન્ટનું મુખ્ય મથક હોટલ બિલ્ડિંગની નજીક આવેલું હતું જેથી ફાયર બ્રિગેડનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બિલ્ડિંગની અંદરની કન્ડિશન એકદમ ખરાબ છે.
Kolkata Hotel Fire: પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટ અથવા ઍર કંડિશનર (AC)માં બ્લાસ્ટને લીધે લાગી હોઇ શકે છે. જોકે, ખરું સત્ય તો ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે. માત્ર એક જ બિલ્ડિંગની અંદર એકસાથે ઘણીબધી હોટેલો ધમધમી રહી હોવાની માહિતી મળી છે. આ સાથે જ બિલ્ડિંગ મેનેજમેન્ટ દ્વારા ફાયર સેફ્ટી તથા કન્સ્ટ્રક્શનના મૂળભૂત નિયમોનું જરાપણ પાલન કરવામાં ન આવ્યું હોવાનું પણ રિપોર્ટ્સમાં નોંધાયું છે. આ સમગ્ર મામલે સિટી પોલીસે ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેસ નોંધ્યો છે. વળી, આ અગનખેલ બાદ બિલ્ડિંગનો માલિક ત્યાંથી નાસી ગયો છે. જોકે પોલીસની ટીમોએ તેને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહી છે.
હજી હમણાં જ બે દિવસ પહેલાં ૧૭ ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ મંદિર નજીકની `હોટેલ વિદેશીની`માં પણ આવો જ અગનખેલ (Kolkata Hotel Fire) ખેલાયો હતો. જેમાં મેઘાલયનો એક પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.