કેરળમાં કોરોના વાઇરસનો ત્રીજો કેસ પૉઝિટિવ : બંગાળમાં 8 શંકાસ્પદ દર્દી

04 February, 2020 09:56 AM IST  |  New Delhi/Kolkata/Beijing

કેરળમાં કોરોના વાઇરસનો ત્રીજો કેસ પૉઝિટિવ : બંગાળમાં 8 શંકાસ્પદ દર્દી

કોરોના વાઇરસ

ભારતના કેરળ રાજ્યમાં કોરોના વાઇરસના ત્રીજા કેસની પુષ્ટિ થઈ ગઈ છે. ચીનથી ફેલાયેલો આ વાઇરસ ભારત સહિત દુનિયાના લગભગ ૨૫ દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે. કેરળના આરોગ્યપ્રધાન કે. કે. શૈલજાએ કહ્યું, દર્દીનો ઇલાજ કાસરગોડના કન્જાંગડ જિલ્લા હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં તેની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું કે દર્દી ચીનના વુહાન શહેરથી પાછો આવ્યો હતો. પાડોશી રાજ્ય કર્ણાટકના કેટલાય જિલ્લામાં હાઈ અલર્ટ જાહેર કરાયું છે. આ ચીનનું એ જ શહેર છે જ્યાંનાં સી-ફૂડ બજારથી આ વાઇરસ ફેલાવાનો શરૂ થયો હતો. તો બીજી બાજુ બંગાળ સરકારે કોરોના વાઇરસથી પ્રભાવિત ૮ શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો ૨૩ જાન્યુઆરીએ ચીનથી એ જ ફ્લાઇટમાં આવ્યા હતા જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં ૩૦ જાન્યુઆરીએ પહેલો અને બીજી જાન્યુઆરીએ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા ૬૪૭ ભારતીયોને ઍરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. ચીનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી ૩૬૧ લોકોનાં મોત થયાં છે.

ચીનનાં ઑફિશ્યલ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હુબઈ શહેરમાં ૨૪ કલાકમાં ૫૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨૧૦૩ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. આમ હવે ચીનમાં કુલ ૧૬,૬૦૦ કેસ નોંધવામાં આવ્યા છે એમાં ૯૬૧૮ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ૪૭૮ લોકોની સ્થિતિ ગંભીર છે.

અમેરિકામાં અત્યાર સુધી ૯ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કૅલિફૉર્નિયામાં ચાર, ઇલિનોએસ અને મૈસાચુસેટ્સમાં ૨-૨, વૉશિંગ્ટન અને ઓરિજોનામાં ૧-૧ કેસ નોંધાયા છે. સ્પુતનિક ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રશિયાના રેલવે વિભાગે જણાવ્યું કે ૩ ફેબ્રુઆરીથી કોરોના વાઇરસના કારણે ચીન જતી પૅસેન્જર ટ્રેન-સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ચીનમાં કોરોના વાઇરસના મૃતકોના અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ

ચીનની સરકારે એકદમ નવી એવી કોરોના વાઇરસ બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના દેહને અગ્નિદાહ આપવા, દફનવિધિ કરવા કે તેની અંતિમયાત્રા કાઢવા જેવી વિધિઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જાહેર સુરક્ષા મંત્રાલય અને નાગરિક બાબતોના મંત્રાલયે તેમ જ નૅશનલ હેલ્થ કમિશને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે મૃતદેહોના તેમના લોકેશનની નજીકનાં નિર્ધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમ સંસ્કાર કરવા અને મૃતદેહોને એક શહેર કે પ્રદેશમાંથી બીજા શહેરમાં લઈ જવા નહીં. એવી જ રીતે એને દફનવિધિ કરવા માટે કે કોઈ અન્ય કારણસર સાચવી રાખવા નહીં.

૭૧ વર્ષનાં મહિલા ૪૮ કલાકમાં સાજા થયાં : ડૉક્ટરનું નિવેદન, થાઇલૅન્ડે કોરોના વાઇરસની દવા શોધ્યાનો દાવો કર્યો : ૪૮ કલાકમાં જ દર્દી સ્વસ્થ

થાઇલૅન્ડના ડૉક્ટરોએ કેટલીક દવાઓનું મિશ્રણ કરીને નવી દવા બનાવી છે. થાઇલૅન્ડની સરકારનો દાવો છે કે આ દવા ઉપયોગી પણ છે. આ દવાના કારણે ૪૮ કલાકમાં જ એક દર્દી સાજો થયો છે. થાઇલૅન્ડના ડૉક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે જણાવ્યું કે ‘અમે ૭૧ વર્ષનાં મહિલા દર્દીને અમારી દવા આપીને ૪૮ કલાકમાં જ સાજા કર્યાં છે. દવા આપ્યાના ૧૨ કલાકમાં જ તે પથારીમાં બેસતી થઈ ગઈ, પહેલાં તે હલી પણ શકતી ન હતી. ૪૮ કલાકમાં જ તે ૯૦ ટકા સ્વસ્થ થઈ ગઈ છે. થોડા દિવસોમાં જ અમે તેમને સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલી દઈશું.’

આ પણ વાંચો : શાહીનબાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ : મોદી

બાવીસ જેટલા દેશોમાં પહોંચ્યો કોરોના વાઇરસ

ચીનના કોરોના વાઇરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાઇરસ ચીનની સીમાઓને વટાવી દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે. દુનિયાભરના બાવીસથી વધુ દેશોમાં આ વાઇરસના સંક્રમણથી લોકો ગ્રસીત થયા છે. વધતા જતા સંક્રમણને રોકવા માટે દુનિયાભરના ઘણા દેશોએ ચીનથી પરત આવતા લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી છે.

kerala coronavirus national news