અયોધ્યાઃ ધ ડે આફ્ટર

11 November, 2019 09:09 AM IST  |  Ayodhya | Gaurav Sarkar

અયોધ્યાઃ ધ ડે આફ્ટર

અયોધ્યામાં સબ સલામત

સર્વોચ્ચ અદાલતે રામજન્મભૂમિ કેસનો ઐતિહાસિક ચુકાદો આપ્યાના બીજા દિવસે અયોધ્યામાં અને સરયૂ નદીને કાંઠે પ્રવૃત્તિનો ધમધમાટ જોવા મળતો હતો. રામજન્મભૂમિ ખાતે દર્શનાર્થીઓની કતારો લાગી હતી અને ઇદે મિલાદની ઉજવણીમાં ઝાઝો ભપકો કે જોશ જોવા મળતા નહોતા. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે ઉશ્કેરાટની શક્યતા ટાળવા માટે ધાર્મિક નેતાઓએ મુસ્લિમોને આ તહેવાર શાંતિથી ઊજવવાનો અનુરોધ કર્યો હોવાથી ઇદ નિમિત્તે પૂર્વયોજિત જલ્લોષભર્યા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તહેવાર નિમિત્તે અયોધ્યામાં સમયસર નમાઝ પઢવામાં આવી હતી, પરંતુ શોભાયાત્રાઓ, સરઘસો, લાઉડ સ્પીકર્સ અને રસોઈ માટે મોટાં વાહનો ઇદની ઉજવણીમાં વપરાયાં નહોતાં.
અયોધ્યાના વાતાવરણમાં શાંતિ અને સ્વસ્થતા જણાતા હતા. માત્ર અયોધ્યા જ નહીં પણ આખા દિવસમાં કોઈ પણ પ્રકારનો કોમી ઉશ્કેરાટ રામજન્મભૂમિ કેસના ચુકાદા પછી જોવા નહોતો મળ્યો. સવારે આઠ વાગ્યે ‘સિયા રામ, જય જય રામ’ની ધૂન ગાતી મહિલાઓ સરયૂ નદીના ઘાટનાં પગથિયાં ચડતી હતી. થોડે દૂર નદીમાં કમર સુધીનાં પાણીમાં ઊભા ઊભા ભગવા વસ્ત્રધારી સાધુઓ સૂર્યને અર્ધ્ય આપતાં મંત્રોચ્ચાર કરતા હતા. નાવિકોએ વધુ યાત્રાળુઓના આગમનની શક્યતાને કારણે કિનારે લાંગરેલી એમની હોડીઓ બહાર કાઢી હતી. સરયૂ નદીના કાંઠા પછી સૌથી વધારે ઉત્સાહ અને લોકોની અવરજવર પવિત્ર રામ કી પૈડીના પરિસરમાં જોવા મળતા હતા. રોજના સમય કરતાં વહેલા પુસ્તકો, મૂર્તિઓ વગેરે ધાર્મિક સામગ્રી વેચનારા ફેરિયાઓ સક્રિય થયા હતા અને દુકાનો તથા હોટેલ-રેસ્ટોરાં ખૂલી ગયાં હતાં. મંદિરમાં રામલલ્લાની મૂર્તિને નવાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. રામજન્મભૂમિ મંદિરમાં દર્શનનો સમય સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી છે. બપોરે બાર વાગ્યાની આસપાસ એક હજાર કરતાં વધારે ભક્તોએ દર્શન કર્યા હોવાનું લૉકર સર્વિસના સંચાલક હેમંત મિશ્રાએ જણાવ્યું હતું.

ayodhya ayodhya verdict