જાણો, સુપ્રીમમાં કઈ ચાર દલીલોને કારણે મોકળો બન્યો રામમંદિરનો માર્ગ

10 November, 2019 01:40 PM IST  |  New Delhi

જાણો, સુપ્રીમમાં કઈ ચાર દલીલોને કારણે મોકળો બન્યો રામમંદિરનો માર્ગ

(જી.એન.એસ.) અયોધ્યામાં રાજકીય રૂપે સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી એટલે કે ૫-૦થી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પોતાના નિર્ણયમાં વિવાદિત સ્થળને રામલલાનું ગણાવ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. નિર્ણય આપતી વખતે કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન અને અન્ય વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો પર પણ સ્પષ્ટ મતેથી નિર્ણય સંભળાવવામાં આવ્યો. તો ભારતીય સર્વેક્ષણના રિપોર્ટને આધાર ગણી એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ કોઈ ખાલી જગ્યા પર બની નહોતી, પરંતુ કેટલીક દલીલો એવી હતી કે જેણે રામમંદિર બનવાનો માર્ગ મોકળો કર્યો હતો.

ખાલી જમીન પર નહોતી બની મસ્જિદ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એએસઆઇના ખોદકામથી હાથ લાગેલા પુરાવાને નજરઅંદાજ કરીને જોઈ ન શકીએ. કોર્ટે કહ્યું હતું કે હાઈ કોર્ટનો નિર્ણય સંપૂર્ણ પારદર્શિતા સાથે થયો હતો. કોર્ટે કહ્યું હતું કે બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયું હતું. જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. કોર્ટે કહ્યું હતું કે મસ્જિદની નીચે એક વિશાળ સંરચના હતી. એએસઆઇએ ૧૨મી સદીનું મંદિર જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જે કલાકૃતિઓ મળી આવી હતી તે ઇસ્લામિક નહોતી. વિવાદિત ઢાંચામાં જૂની સંરચનાની ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી હતી, જ્યારે મુસ્લિમ પક્ષની સતત દલીલ હતી કે કોર્ટે એએસઆઇના અહેવાલ પર વિશ્વાસ ન કરવો જોઈએ. જોકે કોર્ટે કહ્યું હતું કે જમીનની નીચેથી મળી આવેલી વિશાળ સંરચનાથી હિન્દુઓના દાવાને ફગાવી ન શકાય.

રામના જન્મસ્થળને લઈને થઈ દલીલ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદ ભગવાનના જન્મસ્થળને લઈને છે કે આખરે જન્મસ્થળ છે ક્યાં? ધવને દલીલ આપી હતી કે ધર્મશાસ્ત્રને લઈને જાતે જ કોઈ પરિકલ્પના કરી શકાય નહીં, આ બાબત ખોટી છે. જન્મસ્થળની દલીલ વિશ્વાસ અને આસ્થા પર આધારિત છે અને જો આ દલીલને સ્વીકારી લેવામાં આવી તો એની વ્યાપક અસર થશે.

અયોધ્યામાં રામના જન્મસ્થળના દાવાનો વિરોધ નથી : સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું છે કે એએસઆઇ એ દર્શાવી શક્યું નથી કે અહીં મંદિર તોડીને જ મસ્જિદ બનાવવામાં આવી હતી. અયોધ્યામાં રામના જન્મસ્થળના દાવાનો કોઈએ વિરોધ કર્યો નથી. વિવાદિત સ્થળ પર હિન્દુ પૂજા કરતા હતા. આ સ્થળનું ક્રૉસ એક્ઝામિનેશન કરવામાં આવ્યા બાદ પણ હિન્દુ દાવો ખોટો ઠર્યો નથી. હિન્દુ મુખ્ય ગુંબજને જ રામનું જન્મસ્થળ માને છે. રામલલાએ ઐતિહાસિક ગ્રંથોનું વિવરણ રજૂ કર્યું હતું. હિન્દુ પરિક્રમા પણ કરવામાં આવે છે. ચબૂતરો, સીતા રસોઈ, ભંડારાને લઈને પણ દાવાની પુષ્ટિ થાય છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક સ્કંદ પુરાણ, પદ્મ પુરાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

મસ્જિદ ક્યારે બની હતી એનાથી કોઈ જ ફરક નહીં પડે
શિયા વિરુદ્ધ સુન્ની કેસમાં એકમતેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. શિયા વકફ બોર્ડની અપીલ ફગાવી દેવામાં આવી. તેમણે કહ્યું હતું કે મસ્જિદ ક્યારે બની એનાથી કોઈ જ ફરક નથી પડતો. ૧૯૪૯ની ૨૨-૨૩ ડિસેમ્બરે મૂર્તિ રાખવામાં આવી હતી. એક વ્યક્તિની આસ્થા બીજાનો અધિકાર છીનવી ન શકે. નમાજ પઢવાના સ્થળને અમે મસ્જિદ માનવાનો ઇનકાર નથી કરતા સાથે જ જજે એમ પણ કહ્યું હતું કે આ જમીન સરકારી છે.

national news ayodhya ayodhya verdict supreme court