જાણો ચંદ્રયાન-2 ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

22 July, 2019 03:26 PM IST  | 

જાણો ચંદ્રયાન-2 ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઈઝેશન (ISRO) આજે ચંદ્રયાન 2ને બપોરે 2.43 વાગ્યે લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 15 જુલાઈએ રાત્રે લોન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. આખરે ઈસરોની સૌથી મહત્વકાંક્ષી યોજના ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર ઉતરીને તેની તપાસ કરશે. ચંદ્રયાન 2 અવકાશી સફર પાર કરીને ચંદ્ર પર કેટલા દિવસમાં પહોંચશે અને ત્યા શું કરશે તે બધા માટે એક પ્રશ્ન છે.

ચંદ્રયાન 2 પહેલા 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવું માનવામાં આવી રહ્યું હતું. આ મિશન 54 દિવસનું રહેશે. જો કે ટેક્નિકલ સમસ્યાના કારણે લોન્ચિગ એક અઠવાડિયુ મોડુ થયું હતું જો કે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 7 સપ્ટેમ્બરે જ પહોચશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર પહોચવા માટે 48 દિવસ લાગશે. 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચાડવા માટે પૃથ્વીની આસપાસ ચંદ્રયાન-2 જે ચક્કર લગાવવાનું હતું તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા ચંદ્રયાન-2 પૃથ્વીની ફરતે 5 આંટા મારવાનું હતું જેની જગ્યાએ હવે 4 આંટા મારશે.

ચંદ્રયાન 2 ઈસરો માટે સૌથી મહત્વના પ્રોજેક્ટમાંથી એક છે જે લોન્ચ વ્હિકલ બાહુબલી એટલે કે GSLV Mk-IIIની મદદથી લોન્ચ કરવામાં આવશે. 640 ટનના બાહુબલીની લંબાઈ 44 મીટર છે જેની અંદર 3.8 ટનનુ ચંદ્રયાન-2 સવાર થશે. ચંદ્રયાન-2ની બનાવટ પાછળ 978 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ મિશન પછી ભારત ચંદ્રની સપાટી પર ઉતરીને તેની તપાસ કરનારા દેશોમાં સામેલ થઈ જશે.