18 August, 2025 06:59 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
અસરગ્રસ્ત મહિલાને સાંત્વન આપી રહેલા મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગઈ કાલે સતત ત્રીજા દિવસે બચાવકાર્ય ચાલી રહ્યું હતું, પણ રાજકીય નેતાઓ રેસ્ક્યુ-સાઇટ પર ફોટો પડાવવા આવતા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા ગઈ કાલે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પૂછ્યું હતું કે શું થયું? મને બતાવો. એ સમયે એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આર્મી કામ કરી રહી છે, વિધાનસભ્યો આવી રહ્યા છે, એક વિધાનસભ્ય વારંવાર પ્રધાનોને લઈને આવે છે અને મશીનો બંધ કરાવીને ફોટો પડાવે છે. અહીં અમારી મજબૂરી છે. અમારા પરિવારજનો નથી મળી રહ્યા, તેઓ કદાચ નીચે દટાયેલા છે અને વિધાનસભ્યોને ફોટો પડાવવાની ચિંતા છે. આનાથી અમે વધારે પરેશાન છીએ. મારા ઘરના ૧૩ મેમ્બરો ગુમ છે જેમાં મારી મમ્મી અને તેમની માસી સામેલ છે.’
જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટ્યાના સતત ત્રીજા દિવસે બચાવ-કામગીરી ચાલી રહી છે અને હજી અનેક લોકો ભેખડો અને કાદવ નીચે દટાયેલા હોવાની આશંકા છે.