17 August, 2026 10:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પી. ચિદમ્બરમ
લાલ કિલ્લા પરથી સ્વતંત્રતાદિવસના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિમાગી નક્સલના મુદ્દે કહ્યું હતું કે ‘હથિયારી નક્સલ તો ગએ, લેકિન દિમાગી નક્સલ મૌકે કી તલાશ મેં હૈં.’
આ નિવેદન પર વિપક્ષોને બહુ મરચું લાગ્યું હતું. અનેક લોકોએ પોતપોતાની રીતે અર્થઘટનો કરીને નરેન્દ્ર મોદી પર વળતા હુમલા કરવાનું શરૂ કર્યું હતું. કૉન્ગ્રેસે અગાઉ વડા પ્રધાન દ્વારા અર્બન નક્સલ અને હવે દિમાગી નક્સલ જેવા શબ્દોના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે આ વાક્યના સંદર્ભમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કટાક્ષમાં કહ્યું હતું કે ‘મુઝે દિમાગી નક્સલ હોને પર ગર્વ હૈ.’ કૉન્ગ્રેસે કહ્યું હતું કે સરકાર એના ટીકાકારોને આવાં લેબલોથી નિશાન બનાવે છે એ કાયરતા છે.
સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુની સ્પષ્ટતા
દિમાગી નક્સલનો ઉલ્લેખ વિરોધ પક્ષોના સંદર્ભમાં નહોતો
લાલ કિલ્લા પરથી સ્વતંત્રતાદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને એને પગલે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે પોતાને દિમાગી નક્સલ ગણાવ્યા હતા. જોકે ચિદમ્બરમના જવાબ બાદ સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિમાગી નક્સલ કમેન્ટ વિપક્ષને લક્ષ્યમાં રાખીને નહોતી. વડા પ્રધાને વિપક્ષી નેતાઓને દિમાગી નક્સલી નથી કહ્યા.’
દિમાગી નક્સલીઓ ફક્ત આ મુજબ છે
૧. જેઓ માઓવાદીઓને ટેકો આપે છે અને ભારતીય બંધારણનો અસ્વીકાર કરે છે.
૨. જેઓ અલગતાવાદીઓ સાથે ઊભા છે અને કલમ ૩૭૦ને ટેકો આપે છે.
૩. જેઓ ઉત્તર-પૂર્વને ભારતથી અલગ કરવા માટે ચિકન નેક કાપવા માગે છે.