હિમાચલ પ્રદેશ વિધાનસભાના મુખ્ય દ્વાર અને બાઉન્ડ્રી વોલ પર ખાલિસ્તાની ઝંડા મળ્યા

08 May, 2022 04:39 PM IST  |  ‎Dharamshala | Gujarati Mid-day Online Correspondent

SITને સોંપવામાં આવી તપાસ

તસવીર સૌજન્ય: પીટીઆઈ

હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં આજે એ સમયે ખળભળાટ મચી ગયો હતો, જ્યારે વિધાનસભા બિલ્ડિંગની બહાર મુખ્ય દ્વાર અને બાઉન્ડ્રી વોલ પર ખાલિસ્તાની ઝંડા બાંધેલા જોવા મળ્યા હતા. આ ઝંડાઓ પર ખાલિસ્તાન લખેલું હતું. મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પરથી આ ઝંડા ઉતારી લીધા હતા. પોલીસે જણાવ્યું કે અહીંના સ્થાનિક લોકોએ વહેલી સવારે વિધાનસભાના મુખ્ય દ્વાર પર કાળા ઝંડા ફરકાવવાની જાણ કરી હતી. આ વિધાનસભા સંકુલમાં માત્ર શિયાળુ સત્રની બેઠકો યોજાય છે.

આ મામલાની તપાસ SITને સોંપવામાં આવી છે. SITને રાજ્ય અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કડીઓ છે કે કેમ તે શોધવા માટે સૂચના આપવામાં આવી છે.

ધર્મશાળાના તપોવન સ્થિત એસેમ્બલી બિલ્ડિંગનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એસેમ્બલી બિલ્ડિંગની બહાર મુખ્ય ગેટ પર ખાલિસ્તાની ઝંડા જોવા મળી રહ્યા છે. આ ઝંડા કોણે મૂક્યા તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ મામલાની જાણ થતાં જ પોલીસ અને એસડીએમ શિલ્પી વેકટા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વિધાનસભાની દિવાલો પર પણ ખાલિસ્તાન લખેલું છે. આ ધ્વજ અહીં કોણે મૂક્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે કે આ ઝંડા કોણે અને શા માટે લગાવ્યા?

કાંગડાના એસપી ખુશાલ શર્માએ એએનઆઈને કહ્યું કે “આ આજે મોડી રાત્રે અથવા વહેલી સવારે થયું હોવું જોઈએ. અમે વિધાનસભાના ગેટ પરથી ખાલિસ્તાની ઝંડા હટાવ્યા છે. તે પંજાબના કેટલાક પ્રવાસીઓનું કામ હોઈ શકે છે. અમે કેસ નોંધવા જઈ રહ્યા છીએ.”

26 એપ્રિલે જારી કરાયેલી ગુપ્તચર ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે આવી ઘટના બની શકે છે. ચેતવણીમાં દાવો કરવામાં આવ્યો છે કે શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાનને એક પત્ર જારી કરીને કહ્યું હતું કે શિમલામાં ભિંડરાનવાલા અને ખાલિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા હિમાચલ પ્રદેશે ભિંડરાવાલે અને ખાલિસ્તાની ઝંડાઓ સાથેના વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી SFJ નારાજ થઈ હતી. સંગઠને જાહેરાત કરી હતી કે તે 29 માર્ચે ખાલિસ્તાની ઝંડો ફરકાવશે, પરંતુ ભારે સુરક્ષાને કારણે તેમ કરી શક્યું નહીં.

રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ વિધાનસભામાં માત્ર શિયાળુ સત્ર ચાલે છે, તેથી તે દરમિયાન અહીં વધુ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે.

national news himachal pradesh