કેરળમાં મહિલા ટીચરોને આખું શરીર ઢંકાય એવાં કપડાં પહેરવાનો આદેશ

23 October, 2012 05:25 AM IST  | 

કેરળમાં મહિલા ટીચરોને આખું શરીર ઢંકાય એવાં કપડાં પહેરવાનો આદેશ



કેરળમાં સંખ્યાબંધ પ્રાઇવેટ સ્કૂલના મૅનેજમેન્ટે મહિલા ટીચરોને આખું શરીર ઢંકાય એવાં કપડાં પહેરીને ક્લાસરૂમમાં જવાનો આદેશ આપ્યો છે. કેરળમાં અનેક સ્કૂલોમાં છોકરાઓ ચાલુ ક્લાસ દરમ્યાન મોબાઇલ ફોન દ્વારા ટીચરના ફોટો પાડીને ઇન્ટરનેટ કે મોબાઇલ ફોન પર શૅર કરતાં હોવાની મળેલી ફરિયાદોને પગલે અનેક સ્કૂલોએ ટીચરોને ડ્રેસ-કોડ અપનાવવા જણાવ્યું છે. હાલના તબક્કે આ આદેશ ફરજિયાત નથી. અનેક મહિલા ટીચરોએ એવી ફરિયાદ કરી હતી કે ક્લાસ દરમ્યાન છોકરાઓ મોબાઇલ ફોન દ્વારા તેમનો ફોટો પાડે છે.

કેરળની સીબીએસઈ સ્કૂલ મૅનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ઇબ્રાહિમ ખાને કહ્યું હતું કે ‘ટીચર બ્લૅકબોર્ડ પર કશું લખી રહી હોય ત્યારે છોકરાઓ મોબાઇલ ફોન દ્વારા ફોટો પાડતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. તેથી અમે સ્કૂલની ટીચરોને સાડી પર ઓવરકોટ કે શરીર ઢંકાય એવું અન્ય કોઈ વસ્ત્ર પહેરવા જણાવ્યું છે. એવી પણ ફરિયાદો મળી છે કે સ્કૂલના ટૉઇલેટમાં મહિલા ટીચરોના શરીરની બીભત્સ મજાક કરતાં ચિત્રો પણ દોરવામાં આવે છે એટલે મહિલા શિક્ષકોનું માન જળવાય એ હેતુસર આ નર્દિશ આપવામાં આવ્યો છે.’  

સીબીએસઈ = સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન