કોવિશીલ્ડ વૅક્સિનનો બીજો ડોઝ ૪ સપ્તાહ બાદ લેવાની છૂટ આપે કેન્દ્ર સરકાર : કેરલા હાઈ કોર્ટ

07 September, 2021 09:24 AM IST  |  Kochi | Gujarati Mid-day Correspondent

જસ્ટિસે જણાવ્યું હતું કે જેઓ વિદેશ પ્રવાસ કરવા માંગે છે એમના માટે જો નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો હોય તો આવી છૂટ પોતાની નોકરી તેમ જ શિક્ષણ માટે કોઈ લેવા માંગતું હોય તો એમને આવી છૂટ આપવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કેરલા હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે જે લોકો ચાર સપ્તાહ બાદ કોવિશીલ્ડની રસી મુકાવવા માંગતા હોય એમને છૂટ આપવી જોઈએ તેમ જ એમના માટે ૮૪ દિવસ ફરજિયાત રાહ જોવાના કોવિન પોર્ટલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમને બદલવો જોઈએ. જસ્ટિસે જણાવ્યું હતું કે જેઓ વિદેશ પ્રવાસ કરવા માંગે છે એમના માટે જો નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો હોય તો આવી છૂટ પોતાની નોકરી તેમ જ શિક્ષણ માટે કોઈ લેવા માંગતું હોય તો એમને આવી છૂટ આપવી જોઈએ.

હાઈ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જેઓ વહેલી રસી મુકાવવા માંગતા હોય એમને પ્રાઇવેટ હૉસ્પિટલોને પેમેન્ટ આપીને રસી મુકાવવાની છૂટ આપવી જોઈએ. કેન્દ્ર સરકારે બે રસી વચ્ચે ૮૪ દિવસનું અંતર રાખવાની સલાહ આપી છે, પરંતુ જો કોઈ સુરક્ષા માટે આ અંતરને ઘટાડવા માગે તો સરકારે એમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. વળી આવા લોકોને વૅક્સિનનો બીજો ડોઝ લેતા રોકવાની પણ જરૂર નથી.

કેરલા હાઈ કોર્ટે આ માટે કોવિન પોર્ટલમાં પણ જરૂરી ફેરબદલ કરવા માટે જણાવ્યું હતું, જેથી જો કોઈ આ રસી વચ્ચેનું અંતર ૮૪ દિવસના બદલે ૪ સપ્તાહ કરવા માંગે તો કરી શકે. કેરલાની કાઇટેક્સ ગાર્મેન્ટ લિમિટેડ દ્વારા આ મામલે અરજી કરવામાં આવી હતી, જેમાં તેઓ પોતાના કર્મચારીઓને ૮૪ દિવસની રાહ જોવા સિવાય વૅક્સિન આપવા માગતા હતા. તેમણે પોતાના ૫૦૦૦ કર્મચારીઓ માટે ૯૩ લાખ રૂપિયા ખર્ચીને પહેલો ડોઝ અપાવ્યો હતો, પરંતુ સરકારનાં નિયંત્રણોને કારણે બીજો ડોઝ અપાવી શક્યા નહોતા.

national news kerala