કેરલામાં ભારે વરસાદથી સર્જાઈ તારાજી, ૧૫નાં મોત

18 October, 2021 09:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહત અને બચાવ કામગીરીમાં લશ્કર, નૌસેના અને ઍૅરફોર્સ પણ જોડાયું, ૧૧ જિલ્લાઓમાં યલો અલર્ટ

કેરલાના થોડુપુઝામાં ભારે વરસાદને કારણે કાટમાળમાં ફેરવાયેલા ઘરમાંથી પોતાના ડૉગીને સલામત રીતે લઈ જતો યુવક

કેરલામાં અમર્યાદ વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પ્રવર્તતી રાહત અને બચાવ કામગીરીમાં લશ્કર, નૌસેના તથા ઍૅરફોર્સને સામેલ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂર તેમજ ખડક ધસી જવાને કારણે અત્યાર સુધી કુલ ૧૫ લોકોનાં મોત નીપજ્યાં છે. એનડીઆરએફની કુલ ૧૧ ટીમોને રાજ્યમાં મોકલવામાં આવી છે. હવામાન વિભાગે ગઈ કાલે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરી છે. આગામી ૨૪ કલાકમાં માત્ર અમુક વિસ્તારોમાં જ ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યાર બાદ વરસાદનું પ્રમાણ ક્રમશ ઘટતું જશે.

તામિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં આવેલા નાગરકૌવિલના પ્રખ્યાત મંદિર તિરુવાઝમાર્બન મંદિરમાં પ્રવેશેલાં વરસાદનાં પાણી (તસવીર : પી.ટી.આઇ.)

દક્ષિણી નેવલ કમાન્ડ મુખ્ય મથકોને બચાવ કામગીરીમાં સ્થાનિક વહીવટીતંત્રને સહાયતા પૂરી પાડવા તૈયાર રહેવા જણાવાયું છે. દરમ્યાન કેરલા સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટે કોચીમાં સધર્ન નેવલ કમાન્ડ પાસેથી કોટ્ટાયમ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત ગામમાં ફસાયેલા પરિવારોને ઍૅરલિફ્ટ કરવા સહાયતા માગી હતી. અધિકારીઓએ જણાવ્યા અનુસાર લશ્કર, નૌસેના અને ઍૅરફોર્સના જવાનો કોટ્ટીકલ અને તેની બાજુના પેરુવંથનમ ગામે જવા રવાના થઈ ચૂક્યા છે.

ભારતીય હવાઈ દળે એક ટ્વીટમાં કહ્યું કે કેરલાના પાણીમાં ડૂબી ગયેલા જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે ભારતીય વાયુસેનાના મધ્યમ લિફ્ટ હેલિકૉપ્ટરને સામેલ કરવામાં આવ્યાં છે.

શુક્રવાર સાંજથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે  કેરલા તથા તામિલનાડુમાં અનેક સ્થળે પૂરની સ્થિતિ સર્જાઈ છે તથા વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી છે.

દક્ષિણી રાજ્યમાં અતિ ભારે વરસાદને કારણે તેમ જ ખડક ધસી પડવાની ઘટનાઓમાં ૧૫ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૧૧ જણ ગુમ થયા છે.

અલાપુઝામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા (તસવીર : પી.ટી.આઇ.)

કેન્દ્ર તમામ મદદ કરશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે કેરલામાં ભારે વરસાદ અને પૂરના અસરગ્રસ્તોને કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ પૂરી પાડશે.

અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેરલામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સરકાર સતત સમીક્ષા કરી રહી છે. કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડશે. રેસ્ક્યુ ઑપરેશનમાં મદદ માટે એનડીઆરએફની ટીમ રવાના કરી દેવામાં આવી છે.

national news kerala