કેજરીવાલની પૉલિટિકલ પાર્ટી વિધિવત્ લૉન્ચ

27 November, 2012 03:09 AM IST  | 

કેજરીવાલની પૉલિટિકલ પાર્ટી વિધિવત્ લૉન્ચ



દિલ્હીમાં ગઈ કાલે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (એએપી) લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. પાર્લમેન્ટ સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદારોને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે હવે છેલ્લાં ૬૫ વર્ષથી સહન કરતા આવેલા આમ આદમી અને નેતાઓ વચ્ચે લડાઈ શરૂ થશે. તેમણે કહ્યું હતું કે પાર્ટી સત્તા પર આવશે તેના ૧૫ દિવસમાં જ જનલોકપાલ બિલ સંસદમાં પાસ કરવામાં આવશે અને તમામ ભ્રષ્ટ નેતાઓને છ મહિનામાં જેલમાં મોકલી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું હતું કે ભૂતપૂર્વ કાયદાપ્રધાન શાંતિ ભૂષણ અને નૌકા દળના ભૂતપૂર્વ વડા ઍડમિરલ રામદાસે પાર્ટીના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એએપીના નેતાઓ અને ઉમેદવારો સામેના આક્ષેપોની તપાસ માટે આંતરિક લોકપાલની પણ રચના કરવામાં આવી છે. ઍડમિરલ રામદાસ તથા ઝારખંડના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીપ્રસાદ શર્મા આંતરિક લોકપાલ સભ્યો હશે.

કેજરીવાલે કહ્યું હતું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અદ્વિતીય હશે, કારણ કે આ ચૂંટણીમાં નેતાઓ અને આમ આદમી વચ્ચે લડાઈ થશે. કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટી લૉન્ચ કરવા માટે ૨૬ નવેમ્બરની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી છે, કારણ કે ૧૯૪૯માં આ દિવસે બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. વર્તમાન રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પર તીખા પ્રહાર કરતાં કેજરીવાલ કહ્યું હતું કે આપણે ફસ્ર્ટ ક્લાસ નાગરિક હોવા છતાં થર્ડ ક્લાસ સરકારનો ભોગ બન્યા છીએ.

આપણે આ નેતાઓ પર વિશ્વાસ મૂક્યો હતો, પણ તેઓ દેશને લૂંટવામાં મચી પડ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીની તમામ કામગીરી પારદર્શક રહેશે, પાર્ટીના મળતા ફન્ડની રકમ તથા ખર્ચની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવશે. શહીદ થતા જવાનોના પરિવરજનોને ઓછામાં ઓછા એકથી બે કરોડ રૂપિયા મળવા જોઈએ એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે જો ક્રિકેટમાં કોઈ સેન્ચુરી મારે તો તેને એક કે બે કરોડ રૂપિયા મળતા હોય છે. કેજરીવાલે હાલની મોંઘવારી માટે પણ ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો હતો. સરકાર દર વર્ષે કંપનીઓનો લાખો રૂપિયાનો ટૅક્સ જતો કરે છે, પણ આમ આદમી પર દર વર્ષે ટૅક્સનું ભારણ વધારવામાં આવે છે.

પહેલા જ દિવસે એક કરોડની બોણી

અરવિંદ કેજરીવાલની પાર્ટીને પહેલા જ દિવસે એક કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું હતું. ભૂતપૂર્વ કાયદાપ્રધાન શાંતિ ભૂષણે ‘આમ આદમી પાર્ટી’ને એક કરોડ રૂપિયાનો ફાળો આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પાર્લમેન્ટ સ્ટ્રીટ પર ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોએ પણ પોતાની શક્તિ પ્રમાણે નવી પાર્ટીને ફન્ડ આપ્યું હતું. લોકોએ કુલ ૧.૬ લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. શાંતિ ભૂષણે કહ્યું હતું કે દેશની સંસદ આમ આદમીઓની બનેલી હોવી જોઈએ અને આમ આદમીએ જ દેશનું ભાવિ નક્કી કરવું જોઈએ. શાંતિ ભૂષણનો પુત્ર અને સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ નવી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે.