કેજરીલીક્સ : "દેશને સરકાર નહીં મુકેશ અંબાણી ચલાવી રહ્યાં છે"

31 October, 2012 11:09 AM IST  | 

કેજરીલીક્સ : "દેશને સરકાર નહીં મુકેશ અંબાણી ચલાવી રહ્યાં છે"



ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના સભ્ય અરવિંદ કેજરીવાલે ગઈ કાલે ત્રીજો મોટો ઘટસ્ફોટ કરતાં બીજેપી-કૉન્ગ્રેસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંબંધોનો ખુલાસો કર્યો હતો. મુકેશ અંબાણી કૉન્ગ્રેસને પોતાની દુકાન માનતા હોવાનો સણસણતો આક્ષેપ કરતાં કેજરીવાલે કહ્યું તું કે આંધ્ર પ્રદેશમાં ક્રિષ્ના-ગોદાવરી (કેજી) બેસિનમાં આવેલા કુદરતી ગૅસના રાષ્ટ્રીય સ્ત્રોતમાંથી ખોટી રીતે મબલક કમાણી કરવાનો વડા પ્રધાન મનમોહન સિંહે મુકેશ અંબાણીને પરવાનો આપી દીધો છે. અરવિંદ કેજરીવાલ તથા સિનિયર વકીલ અને આઇએસીના સભ્ય પ્રશાંત ભૂષણે ગઈ કાલે નવી દિલ્હીમાં આ આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગૅસના ભાવ વધારવા માટે યુપીએ સરકારને બ્લૅકમેઇલ કરી રહી છે જેને કારણે અનેક પાવરપ્લાન્ટ બંધ પડી ગયા છે અને તેથી દેશમાં વીજકટોકટી સર્જાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેજરીવાલના આક્ષેપોને ખોટાં ગણાવ્યા હતાં.

બ્લૅકમેઇલિંગ કરે છે અંબાણી


મુકેશ અંબાણી કેજી-૬ બેસિનમાં ઉત્પાદન ઘટાડીને સરકારને બ્લૅકમેઇલિંગ કરી રહ્યા હોવાનો આરોપ મૂકતાં કેજરીવાલે કહ્યું હતું કે એસ. જયપાલ રેડ્ડીએ ગૅસના ભાવ વધારવાની રિલાયન્સની ડિમાન્ડ સ્વીકારી નહોતી એટલે તેમને પેટ્રોલિમયપ્રધાનપદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા. રિલાયન્સે ગૅસના ભાવ વધારીને ૧૪.૨ ડૉલર પ્રતિ યુનિટ કરવાની માગણી કરી છે અને ડિમાન્ડનો સ્વીકાર થાય એટલા માટે એ કેજી બેસિનમાં ગૅસનું ઉત્પાદન ઘટાડીને અડધું કરી રહી છે. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે મનમોહન સિંહ નહીં પણ મુકેશ અંબાણી દેશ ચલાવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અપાયેલો કેજી બેસિનનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાની ડિમાન્ડ કરતાં કેજરીવાલે કહ્યું હતું કે કૉન્ગ્રેસ અને બીજેપી બન્ને મુકેશ અંબાણીના ખિસ્સામાં છે.   

બીજેપી પણ અંબાણીના શરણે


આ સાથે કેજરીવાલે અગાઉની એનડીએ સરકારે પણ મુકેશ અંબાણી સામે ઘૂંટણિયાં ટેકવી દીધાં હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ૨૦૦૦માં એનડીએ સરકારે ગૅસના ભાવને લઈને મુકેશ અંબાણીની ફેવર કરી હતી. કેજરીવાલે કૉર્પોરેટ લૉબિઇસ્ટ નીરા રાડિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના દત્તક પુત્ર રંજન ભટ્ટાચાર્ય વચ્ચેની વાતચીતની ટેપ જાહેર કરી હતી જેમાં તેઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાં કોને સામેલ કરી શકાય એ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં. ટેપમાં ભટ્ટાચાર્ય નીરા રાડિયાને એવું કહી રહ્યા છે કે ‘મુકેશ અંબાણીએ મને કહ્યું હતું કે કૉન્ગ્રેસ તો અબ અપની દુકાન હૈ’. કેજરીવાલે કહ્યું હતું કે મુકેશ અંબાણી સામે કૉન્ગ્રેસ અને બીજેપી બન્ને નિ:સહાય છે.

જૂતું ફેંકવાનો પ્રયાસ

ગઈ કાલે કેજરીવાલ રિલાયન્સ અને કૉન્ગ્રેસ સામે આક્ષેપો કરી રહ્યા હતા ત્યારે ત્રણ યુવાનોએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા એટલું જ નહીં, એક યુવાને કેજરીવાલ પર જૂતું ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે આઇએસીના સભ્યોએ તેને અટકાવ્યો હતો. આ પહેલાં એક વ્યક્તિએ કેજરીવાલની પત્ની (જે ઇન્ડિયન રેવન્યુ સર્વિસની અધિકારી છે)ની કેમ છેલ્લાં ૨૦ વર્ષથી દિલ્હીમાંથી બદલી નથી થતી એવો સવાલ પૂછ્યો હતો. જોકે મિડિયાએ આ વ્યક્તિને સવાલ પૂછતાં અટકાવી હતી.

કેજરીવાલે કરેલા સનસનાટીભર્યા ઘટસ્ફોટ

૨૦૦૬માં પેટ્રોલિયમપ્રધાન મણિશંકર ઐયરે ગૅસના ભાવ વધારવાની રિલાયન્સની ડિમાન્ડ ન સ્વીકારતાં તેમના સ્થાને મુરલી દેવરાને લાવવામાં આવ્યા.

મુરલી દેવરાએ માત્ર દોઢ જ મહિનામાં ગૅસના ભાવ વધારવાની મંજૂરી આપી દીધી હતી.

મુરલી દેવરાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો.

૨૦૦૦માં બીજેપીએ મુકેશ અંબાણીને ફાયદો થાય એવી નીતિ અપનાવી હતી, જેને કૉન્ગ્રેસ અનુસરી હતી.

વાજપેયીના દત્તક પુત્ર રંજન ભટ્ટાચાર્ય કૉર્પોરેટ લૉબિઇસ્ટ નીરા રાડિયાને એવું કહેતા સંભળાય છે કે ‘કૉન્ગ્રેસ તો અબ અપની દુકાન હૈ.’

એસ. જયપાલ રેડ્ડી પેટ્રોલિયમપ્રધાન હતા ત્યારે રિલાયન્સે ગૅસના ભાવ વધારવાની માગણી કરી હતી. રેડ્ડીએ પ્રધાનોના જૂથને લખેલી નોટમાં કહ્યું હતું કે જો આ ડિમાન્ડ સ્વીકારાશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો પર ૫૩,૦૦૦ કરોડનો વધારાનો બોજો પડશે તથા વીજળી અને ખાતર મોંઘાં થશે. રેડ્ડીએ રિલાયન્સની ડિમાન્ડ સ્વીકારી નહીં એટલે તેમને દૂર કરીને વીરપ્પા મોઇલીને પેટ્રોલિયમપ્રધાન બનાવવામાં આવ્યા.

સરકાર પર પ્રેશર લાવવા રિલાયન્સે જાણીજોઈને કેજી બેસિનમાં ગૅસનું ઉત્પાદન ઘટાડીને અડધું કરી દીધું. આ રીતે બ્લૅકમેઇલિંગ કરીને રિલાયન્સ સરકારને કહે છે કે ‘અમે તો ૧૪.૨ ડૉલર પ્રતિ યુનિટના ભાવે જ ગૅસ આપીશું, તમારે લેવો હોય તો લો નહીં તો જાઓ.’ (સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કેજી બેસિનનો ગૅસનો સ્ત્રોત દેશની જનતાની માલિકીનો છે)

રિલાયન્સે ગૅસનું ઉત્પાદન ઘટાડી દેતાં અનેક પાવરપ્લાન્ટ બંધ પડી ગયા, જેને કારણે દેશમાં અનેક સ્થળે વીજકટોકટી સર્જાઈ.

કેજી બેસિનમાં અત્યારે ૩૧ ઑઇલ વેલ્સમાંથી ગૅસનું ઉત્પાદન થવું જોઈતું હતું, પણ માત્ર ૧૩ વેલ્સ જ કાર્યરત છે.

મુકેશ અંબાણી માટે ધબકે છે મુરલી દેવરાનું હાર્ટ

કેજરીવાલે દાવો કર્યો હતો કે અગાઉના પેટ્રોલિમયપ્રધાન મણિશંકર ઐયરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેશર સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો હતો. ગૅસના ભાવ ૨.૩૪ ડૉલર પ્રતિ યુનિટથી વધારીને ૪.૨ ડૉલર પ્રતિ યુનિટ કરવાની રિલાયન્સની ડિમાન્ડ હતી. જોકે ઐયરે આ માગણી ન સ્વીકારતાં તેમના સ્થાને મુરલી દેવરાને પેટ્રોલિયમપ્રધાન બનાવવામાં આવ્યા હતા. દેવરાએ માત્ર દોઢ જ મહિનામાં રિલાયન્સની ડિમાન્ડ સ્વીકારીને ગૅસના ભાવમાં વધારો કરી દીધો હતો. દેવરાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. કેજરીવાલે સવાલ કર્યો હતો કે ‘આ મુદ્દે વડા પ્રધાને કેમ ઍટર્ની જનરલની સલાહ લીધી નહોતી? શા માટે મુરલી દેવરાનું હાર્ટ મુકેશ અંબાણી માટે ધબકે છે?’