કેજરીલીક્સ : જિનીવામાં ૭૦૦ ભારતીયોના જમા છે ૬૦૦૦ કરોડ રૂપિયા

09 November, 2012 08:42 AM IST  | 

કેજરીલીક્સ : જિનીવામાં ૭૦૦ ભારતીયોના જમા છે ૬૦૦૦ કરોડ રૂપિયા




એચએસબીસી બૅન્ક ભારતમાં હવાલા રૅકેટ ચલાવતી હોવાનો તથા કૉન્ગ્રેસી એમપી અનુ ટંડને ૧૨૫ કરોડ જમા કરાવ્યા હોવાનો આક્ષેપ

અરવિંદ કેજરીવાલનો ચોથો ઘટસ્ફોટ : અંબાણીભાઈઓ, જેટ ઍરવેઝના નરેશ ગોયલ અને ડાબર ગ્રુપના બર્મનબંધુઓનું વિદેશમાં કરોડો રૂપિયાનું કાળું નાણું હોવાનો દાવો


ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના નેતા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે વધુ એક ઘટસ્ફોટ કરતાં અંબાણીભાઈઓ, જેટ ઍરવેઝના પ્રમોટર નરેશ ગોયલ, કૉન્ગ્રેસના સંસદસભ્ય અનુ ટંડન તથા ડાબર ગ્રુપના પ્રમોટર બર્મનભાઈઓએ એચએસબીસી બૅન્કની જિનીવા બ્રાન્ચમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે કેજરીવાલે એચએસબીસી બૅન્ક સામે ટોચની હસ્તીઓની બ્લૅક મનીને વાઇટમાં ફેરવવાનો આક્ષેપ કર્યો હતો. કેજરીવાલે દાવો કર્યો હતો કે સ્વિસ બૅન્કનાં ૭૦૦ ખાતાંમાં અંદાજે ૬૦૦૦ કરોડ રૂપિયા જમા છે.

શું છે નવા ઘટસ્ફોટ?

કેજરીવાલ અને સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે ગઈ કાલે નવી દિલ્હીમાં આ સનસનાટીભર્યા ખુલાસા કરતાં કહ્યું હતું કે વિદેશી બૅન્કોમાં નાની રકમ જમા કરાવનારાઓ પર રેઇડ પાડવામાં આવે છે, પણ સરકાર મુકેશ અને અનિલ અંબાણી, નરેશ ગોયલ, અનુ ટંડન અને બર્મનભાઈઓ જેવી મોટી માછલીને બચાવી લે છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે એચએસબીસી બૅન્કની જિનીવા બ્રાન્ચમાં ૨૦૦૬ સુધીમાં મુકેશ અને અનિલ અંબાણીના ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયા જમા હતા, જ્યારે રિલાયન્સ ગ્રુપની મોટેક સૉફ્ટવેર નામની કંપનીએ ૨૧૦૦ કરોડ રૂપિયા તથા કૉન્ગ્રેસના સંસદસભ્ય અનુ ટંડને ૧૨૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

કૉન્ગ્રેસના નેતાએ આપી માહિતી

રસપ્રદ વાત એ છે કે કેજરીવાલે કરેલા દાવા મુજબ કૉન્ગ્રેસના જ એક નેતાએ સ્વિસ બૅન્કમાં ભારતીયોનાં ખાતાં વિશેની મહkવની માહિતી આપી હતી. કેજરીવાલે જોકે કહ્યું હતું કે આ ઉદ્યોગપતિઓનાં બૅન્ક અકાઉન્ટ વિશે તેમની પાસે સત્તાવાર દસ્તાવેજો નથી, પણ હમણાં જ કેન્દ્રીય કૅબિનેટમાં સામેલ કૉન્ગ્રેસના એક નેતા પાસેથી મળેલા ઇનપુટ્સ બાદ અનેક ર્સોસ ચકાસ્યા બાદ તેમણે આ માહિતી મેળવી છે. કૉન્ગ્રેસના આ નેતાએ વિદેશમાં ખાતાં ધરાવતી વ્યક્તિઓની યાદીમાં સામેલ ત્રણ વ્યક્તિનાં સ્ટેટમેન્ટ પણ આપ્યાં હતાં.

વેચાઈ ગઈ છે યુપીએ સરકાર

કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે એમ પણ કહ્યું હતું કે યુપીએ સરકાર સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે. મનમોહન સિંહના વડપણ હેઠળની સરકારે દેશના આર્થિક સાર્વભૌમત્વ માટે અત્યંત ડેન્જરસ છે. કેજરીવાલે કહ્યું હતું કે એચએસબીસી બૅન્કની જિનીવામાં આવેલી બ્રાન્ચમાં જે ૭૦૦ વ્યક્તિઓનાં ખાતાં છે તેમાંથી માત્ર ૧૨૫ વ્યક્તિઓનાં ઘર પર રેઇડ પાડવામાં આવી હતી.  

ભારત માટે ડેન્જરસ છે એચએસબીસી બૅન્ક

ગઈ કાલે કેજરીવાલના નિશાને લંડનસ્થિત એચએસબીસી બૅન્ક પણ હતી. ૮૫થી વધારે દેશોમાં ફેલાયેલી આ બૅન્ક ભારતમાં હવાલા રૅકેટ ચલાવતી હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે એચએસબીસી બૅન્ક ભારતમાં બેઠા જ જિનીવાની બ્રાન્ચમાં ખાતું ખોલી આપે છે. કૉન્ગ્રેસના નેતાએ પૂરા પાડેલા સ્ટેટમેન્ટમાં એક ઉદ્યોગપતિએ ઇન્કમ-ટૅક્સ વિભાગ સમક્ષ સ્વીકાર્યું હતું કે જિનીવા ખાતેની એચએસબીસી બૅન્કમાં ભારત બેઠા જ ખાતું ખૂલી ગયા બાદ ભારત ખાતેના બૅન્કના એજન્ટને નાણાં આપવામાં આવે છે. આ એજન્ટ નાણાંને જિનીવાની બ્રાન્ચના ખાતામાં જમા કરાવી દે છે. એટલું જ નહીં, જ્યારે પણ નાણાં ઉપાડવા હોય ત્યારે જિનીવાના એજન્ટનો સંપર્ક સાધવાનો હોય છે. આ એજન્ટ ભારતમાં નાણાં મોકલી આપે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ કે ક્રિમિનલો ભારતમાં પોતાની પ્રવૃત્તિ માટે આસાનીથી એચએસબીસી બૅન્ક દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.

જિનીવા બ્રાન્ચમાં કોના કેટલા જમા?

અરવિંદ કેજરીવાલે કરેલા ઘટસ્ફોટ મુજબ એચએસબીસી બૅન્કની સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં આવેલી બ્રાન્ચમાં ૨૦૦૬ સુધીમાં ૭૦૦ ભારતીયોના ૬૦૦૦ કરોડ રૂપિયા જમા હતા, જેમાં મુકેશ અને અનિલ અંબાણીએ ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે રિલાયન્સ ગ્રુપની મોટેક સૉફ્ટવેર કંપનીએ ૨૧૦૦ કરોડ રૂપિયા તથા કૉન્ગ્રેસના સંસદસભ્ય અનુ ટંડને ૧૨૫ કરોડ અને જેટ ઍરવેઝના પ્રમોટર નરેશ ગોયલે ૮૦ કરોડ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત ડાબર ગ્રુપના પ્રમોટર બર્મનબંધુ (આનંદ, પ્રદીપ અને રતન)એ ૨૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

કોણે શું આપ્યો જવાબ?

અંબાણીભાઈઓએ એચએચબીસી બૅન્કની જિનીવા બ્રાન્ચમાં બ્લૅક મની ટ્રાન્સફર કરી હોવાના કેજરીવાલના આક્ષેપો નકાર્યા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે કંપની કે મુકેશ અંબાણી દુનિયામાં ક્યાંય ગેરકાયદે અકાઉન્ટ ધરાવતા નથી. બર્મનભાઈઓએ પણ વિદેશી બૅન્કમાં નિયમાનુસાર જ ખાતાં હોવાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ એનઆરઆઇ હતા ત્યારે આ ખાતાં ખોલાવ્યાં હતાં અને કાયદા પ્રમાણે જ આ ખાતાંને તેઓ ઑપરેટ કરી રહ્યા છે.

નરેશ ગોયલે એચએસબીસી બૅન્કની જિનીવા બ્રાન્ચમાં કોઈ ખાતું હોવાનો ઇનકાર કર્યો હતો. જેટ ઍરવેઝ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ ગોયલ એનઆરઆઇ હોવાથી તેઓ વિદેશમાં બૅન્ક ખાતું ધરાવે છે.

એચએસબીસી બૅન્કે પણ તમામ આક્ષેપોને નકારતાં કહ્યું હતું કે બૅન્ક દરેક કાયદાનું ગંભીરતાથી પાલન કરી રહી છે. બૅન્કે જોકે તમામ આક્ષેપો ભૂતકાળને લગતા હોવાથી તેના વિશે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

અનુ ટંડને પણ દાવો કર્યો હતો કે આ આક્ષેપોને પુરવાર કરવા માટે કેજરીવાલ પાસે કશું જ નથી. મોટેક સૉફ્ટવેરના મૅનેજિંગ ડાયરેક્ટર રહી ચૂકેલા ટંડને તેમણે વિદેશી બૅન્કમાં ૧૨૫ કરોડ જમા કરાવ્યા હોવાના આક્ષેપને ખોટો ગણાવ્યો હતો.

એચએસબીસી = ધ હૉન્ગકૉન્ગ ઍન્ડ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશન, યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, એનઆરઆઇ = નૉન રેસિડન્ટ ઇન્ડિયન