ખુરશીદે આપી કેજરીવાલને જાનથી મારવાની ધમકી

18 October, 2012 03:12 AM IST  | 

ખુરશીદે આપી કેજરીવાલને જાનથી મારવાની ધમકી



કેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદ વધુ એક વિવાદમાં ફસાયા છે. ખુરશીદે તેમની સામે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહેલા અરવિંદ કેજરીવાલને ગર્ભિત શબ્દોમાં જાનથી મારવાની ધમકી આપી હતી. અરવિંદ કેજરીવાલે આગામી પહેલી નવેમ્બરે ઉત્તર પ્રદેશમાં આવેલા સલમાન ખુરશીદના સંસદીય મતક્ષેત્ર ફરુખાબાદમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે. ખુરશીદે તેમના ટેકેદારોને સંબોધતાં ધમકીના સૂરમાં કહ્યું હતું કે ‘કેજરીવાલ અહીં (ફરુખાબાદ) આવશે તો ખરો, પણ પાછો જઈ શકશે નહીં. મને કલમથી કામ કરવાનું કહેવામાં આવેલું છે અને હું કલમથી જ કામ કરતો રહીશ, પણ હવે લોહીથી કામ કરવાનો સમય પણ આવી ગયો છે.’

ખુરશીદની સામાજિક સંસ્થા ડૉ. ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સરકારી ફન્ડ મેળવવા માટે મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આરોપસર અરવિંદ કેજરીવાલ ખુરશીદના રાજીનામાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.

સલમાન ખુરશીદે તેમને ટેકેદારોને સંબોધતાં કેજરીવાલને આપેલી ધમકીનાં દૃશ્યો ગઈ કાલે એકથી વધારે ન્યુઝચૅનલ્સ પર પ્રસારિત થયાં હતાં. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શને (આઇએસી) બાદમાં ખુરશીદની ધમકી સામે ગંભીર વાંધો લીધો હતો. આઇએસીએ આ મુદ્દે વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિને દરમ્યાનગીરી કરવાની અપીલ કરી હતી

ધમકીનો કેજરીવાલે આપ્યો આ જવાબ


કાયદાપ્રધાન સલમાન ખુરશીદે ગર્ભિત શબ્દોમાં આપેલી જાનથી મારવાની ધમકીનો ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શને વિરોધ કર્યો હતો તો અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘મને મારવાથી કશો ફરક પડવાનો નથી, કારણ કે આખો દેશ જાગી ગયો છે. એક અરવિંદ મરશે તો બીજા ૧૦૦ અરવિંદ પેદા થઈ જશે.’

કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે આવી ભાષા વાપરતો માણસ કાયદાપ્રધાન હોય એ દેશ માટે સારી વાત નથી.