કહત કેજરીવાલ ગડકરી ગોલમાલ

18 October, 2012 03:17 AM IST  | 

કહત કેજરીવાલ ગડકરી ગોલમાલ



મહારાષ્ટ્રની કૉન્ગ્રેસ-એનસીપી સરકારે નિયમોની અવગણના કરીને બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીને ૧૦૦ એકરની ખેતીલાયક જમીનની લહાણી કરી હોવાનો દાવો ગઈ કાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના નેતા અરવિંદ કેજરીવાલે કર્યો હતો. નવી દિલ્હીની કૉન્સ્ટિટ્યુશનલ ક્લબમાં પત્રકારો અને ન્યુઝચૅનલ્સના કૅમેરામેનથી ખચાખચ ભરેલા હૉલમાં કેજરીવાલે રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ)નાં કાર્યકર અંજલિ દમણિયાએ મેળવેલી હકીકતોને આધારે ગડકરી પર આક્ષેપોની વણજાર લગાવી દીધી હતી. દરેક રાજકીય પાર્ટી સાથે મળીને દેશને લૂંટી રહી હોવાનું જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ અને એનસીપી સરકાર તથા બીજેપી વચ્ચે વાટકી-વ્યવહાર ચાલે છે. મહારાષ્ટ્રમાં સિંચાઈકૌભાંડ સહિતના અનેક ગંભીર મુદ્દે બીજેપીએ જાણી જોઈને મૌન જાળવ્યું છે તો રાજ્ય સરકારે પણ બીજેપીના નેતાઓને અનેક લાભો અપાવ્યા છે.

ગડકરી-પવારની સાઠગાંઠ

આઇએસીના અન્ય એક નેતા અને સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ સાથે યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સિંચાઈપ્રધાન અજિત પવારે નિયમો તોડીને ગડકરીને જમીનો અપાવી હતી. રાજ્યના નાગપુર જિલ્લા ઉમરેડ તાલુકામાં સિંચાઈયોજના માટે ખેડૂતો પાસે હસ્તગત કરવામાં આવેલી વધારાની જમીન ખેડૂતોને પાછી આપવાને બદલે બારોબાર ગડકરીને આપી દેવામાં આવી હતી. કેજરીવાલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘૨૦૦૨માં ખેડૂતોએ જમીન પાછી સોંપવાની માગણી કરી હતી, પણ સરકારે તેમની ડિમાન્ડ નકારી હતી. જોકે એ પછી જૂન ૨૦૦૫માં નીતિન ગડકરીની વિનંતી બાદ સરકારે આ જમીન તેમને ફાળવી દીધી હતી. આ વિશે અજિત પવારની સહીવાળો લેટર હોવાનો દાવો કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ગડકરી પૉલિટિશ્યન નથી, તેઓ પૉલિટિક્સમાં નથી; તેઓ માત્ર પોતાનો બિઝનેસ ફેલાવવા માટે બીજેપીનો ઉપયોગ કરી રહ્યા છે, પણ તેમનાં વ્યાપારિક હિતોને કારણે ખેડૂતોનો ભોગ લેવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે ખેડૂતો પાસેથી લેવાયેલી વધારાની જમીન તેમને પાછી આપી દેવી પડે છે અને આ જમીન અન્ય કોઈને પણ આપી શકાતી નથી. ગડકરીની વિનંતી મળ્યાંના માત્ર ચાર જ દિવસમાં અજિત પવારે આ જમીનો તેમને ફાળવી દેવાનો આદેશ આપતો લેટર લખ્યો હતો.’

કૉન્ગ્રેસની પ્રતિક્રિયા


કૉન્ગ્રેસે કેજરીવાલે ગડકરી પર કરેલા આક્ષેપોને અત્યંત ગંભીર ગણાવ્યા હતા. કૉન્ગ્રેસના પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે ‘આ આરોપોનો બીજેપીએ જવાબ આપવો પડશે. આ આરોપોમાં એક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખની સંડોવણી બહાર આવી છે એટલે તે અત્યંત ગંભીર વાત છે.’

કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે નીતિન ગડકરી હંમેશાં રાજકારણી કરતાં બિઝનેસમૅન વધારે છે.

ગડકરીના પડખે બીજેપી


બીજેપીના ટોચના નેતા સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ ગઈ કાલે એકઅવાજે પાર્ટીના પ્રમુખ ગડકરીનો બચાવ કર્યો હતો. બન્ને નેતાઓએ જણાવ્યું હતું કે ‘માત્ર લાઇમલાઇટમાં આવવા માટે કેજરીવાલ આ આરોપબાજી કરી રહ્યા છે જેમાં કોઈ દમ નથી. કેજરીવાલે કૌભાંડ ખોદી કાઢવાના ભરપૂર પ્રયાસો કર્યા, પણ તેઓ સફળ થઈ શક્યા નથી.’

કેજરીવાલની પ્રેસ-કૉન્ફરન્સને ઇલેક્શન રૅલી ગણાવતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે જાણે કે કોઈ મોટો બૉમ્બ ફૂટવાનો હોય એવી હોહા કરવામાં આવી હતી, પણ કેજરીવાલની વાતમાં કોઈ તથ્ય નથી.

ચિલ્લર ટાઇપના આરોપ : નીતિન ગડકરી


અરવિંદ કેજરીવાલે આક્ષેપો કર્યાના દોઢ કલાક પછી દિલ્હીમાં બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ પોતાની સામેના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આ આક્ષેપોને ચિલ્લર ટાઇપના ગણાવતાં વળતો આરોપ મૂક્યો હતો કે મતદારોને ભ્રમિત કરવા માટે આઇએસી અને કૉન્ગ્રેસ વચ્ચે સાઠગાંઠ છે. પોતાના બચાવનામામાં ગડકરીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં ખેડૂત આત્મહત્યાઓ ઘટાડવા અને સામાજિક સુધારો લાવવા માટે હું આ વિસ્તારમાં સક્રિય છું. જે સરકારી જમીન ચૅરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ ટ્રસ્ટ સહકારી ધોરણે ચાલે છે, એનો માલિક હું નથી. આ તમામ આરોપો પાયાવિહોણા, ખોટા અને કમનસીબ છે. હું કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. ખરાબાની જે ૧૦૦ એકર જમીન ટ્રસ્ટને અપાઈ છે એની વૅલ્યુ માત્ર ૨૦ લાખ રૂપિયા છે.’

કેજરીવાલના આરોપો

નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકામાં સિંચાઈયોજના માટે ખેડૂતો પાસેથી હસ્તગત કરવામાં આવેલી વધારાની જમીન ખેડૂતોને પાછી આપવાને બદલે બારોબાર ગડકરીને આપી દેવામાં આવી

૨૦૦૨માં ખેડૂતોએ જમીન પાછી સોંપવાની માગણી કરી હતી, પણ સરકારે તેમની ડિમાન્ડ નકારી હતી

એ પછી જૂન ૨૦૦૫માં નીતિન ગડકરીએ આ ૧૦૦ એકર જમીન મેળવવા સરકારને વિનંતી કરી હતી

ગડકરીની વિનંતી મળ્યાંના માત્ર ચાર જ દિવસમાં અજિત પવારે આ જમીનો તેમને ફાળવી દેવાનો આદેશ આપતો લેટર લખ્યો

ગડકરી પૉલિટિશ્યન નથી, તેઓ માત્ર બિઝનેસ ફેલાવવા બીજેપીનો ઉપયોગ કરે છે

ગડકરીનો બચાવ

ચિલ્લર ટાઇપના છે કેજરીવાલના આક્ષેપો

મતદારોને ભ્રમિત કરવા માટે આઇએસી અને કૉન્ગ્રેસ વચ્ચે સાઠગાંઠ

જે સરકારી જમીન ચૅરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવી છે એ સહકારી ધોરણે ચાલે છે, એનો માલિક હું નથી.

તમામ આરોપો પાયાવિહોણા, ખોટા અને કમનસીબ છે

હું તપાસ માટે તૈયાર છું. ખરાબાની જે ૧૦૦ એકર જમીન ટ્રસ્ટને અપાઈ છે એની વૅલ્યુ માત્ર ૨૦ લાખ રૂપિયા છે