ફાઇઝરની કોરોના વૅક્સિનને માઇનસ 70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડકારજનક

12 November, 2020 03:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફાઇઝરની કોરોના વૅક્સિનને માઇનસ 70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડકારજનક

ફાઇઝર

ફાઇઝરની વૅક્સિનની ટ્રાયલ સફળ થાય એવી શક્યતા છે, પરંતુ માઇનસ ૭૦ ડિગ્રી ટેમ્પરેચરમાં એને જાળવવાની મોટી સમસ્યા હોવાનું ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું.

ગુલેરિયાએ નવી વૅક્સિન વિશે જણાવ્યું હતું કે ‘કોવિડ-19 વૅક્સિન ફેઝ-થ્રી ટ્રાયલ્સનાં પરિણામો આશા જગાવનારાં  છે, પરંતુ એને જાળવવા માટે માઇનસ ૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચરની વ્યવસ્થા આવશ્યક છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે એવી વ્યવસ્થા મુશ્કેલ છે.ખાસ કરીને નાનાં શહેરો અને ગામડાંમાં કોલ્ડચેઇન જાળવવાની કામગીરી પડકારરૂપ છે. આ વૅક્સિન ઘણી સક્ષમ છે, પરંતુ આપણે અન્ય વૅક્સિન્સને પણ જોવાની આવશ્યકતા છે. વૅક્સિન વિકસાવવા અને બજારમાં મૂકવા પ્રયત્નશીલ ઉમેદવારો માટે ફેઝ-થ્રી ટ્રાયલ્સમાં વૅક્સિન રિસર્ચના ઘણા પ્રોત્સાહક સમાચારો છે.’

રસીના વિતરણ બાબતે રાહુલ ગાંધીના સવાલો 

દરેક ભારતીય નાગરિકને કોવિડ-19ની વૅક્સિન ઉપલબ્ધ થાય એ માટે સરકારે સક્ષમ વિતરણ વ્યવસ્થા રચવાની તકેદારી રાખવાની જરૂર છે. ફાઇઝર અને બાયોએનટેક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની કોવિડ વૅક્સિન ૯૦  ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ફાઇઝર કંપનીએ ખૂબ અસરકારક વૅક્સિન બનાવી છે, પરંતુ એ વૅક્સિન દેશના દરેક પ્રાંતમાં ઉપલબ્ધ થાય એવી ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રૅટેજી સરકારે જાહેર કરવી જોઈએ.’

દેશમાં કોરોના કેસનો કુલ આંક ૮૬ લાખને પાર

દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ગઈ કાલે ૮૬ લાખને આંબી ગયો હતો જ્યારે કે કુલ ૮૦.૧૩ લાખ પેશન્ટની રીકવરી સાથે રીકવરી રેટ ૯૨.૭૯ ટકાએ નોંધાયો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૨૮૧ લોકો કોરોના પૉઝિટિવ જાહેર થતાં દેશમાં કોવિડ-19 પૉઝિટિવ સંક્રમિતોનો આંકડો ૮૬,૩૬,૦૧૧ ઉપર પહોંચ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૨ લોકોએ સંક્રમણને કારણે જીવ ગુમાવતાં કુલ ૧,૨૧,૫૭૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં, દેશમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસનો આંકડો પાંચ લાખની નીચે પહોંચ્યો છે. હાલમાં દેશમાં કુલ ૪,૯૪,૬૫૭ અૅક્ટિવ કેસ નોંધાયા છે, જે કુલ કેસ-લોડના ૫.૭૩ ટકા છે.

coronavirus covid19 national news new delhi