12 August, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દેશમાં સ્વતંત્રતા-દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ છે. કાશ્મીર ખીણપ્રદેશમાં કાશ્મીરી પંડિતો પર ટાર્ગેટેડ કિલિંગનો ખતરો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના પ્રૉક્સી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલે કાશ્મીરી પંડિતોને ખુલ્લી ધમકી આપી છે. ૭ ઑગસ્ટે કાઉન્સિલના નામથી મોકલવામાં આવેલી ધમકીમાં કાશ્મીરી પંડિતોના સભ્યોનાં નામ અને ટેલિફોન-નંબરોનો ખુલાસો કરવામાં આવ્યો છે અને તેમને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
આ ધમકીના પગલે પ્રશાસનમાં કામ કરતા સેંકડો કાશ્મીરી પંડિત કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું અથવા રજા પર ઊતરી જવાનું કહેવામાં આવ્યું છે. તેમને પચીસ ઑગસ્ટ સુધી ઑફિસમાં નહીં આવવા જણાવાયું છે. તેમને સ્વતંત્રતા-દિવસના રાજકીય કાર્યક્રમોમાં પણ નહીં આવવા જણાવવામાં આવ્યું છે. ૨૦૨૨માં પણ આવી ધમકી વખતે પાંચ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.
૩૦૦૦ શંકાસ્પદોની અટકાયત
સુરક્ષાદળો દ્વારા તકેદારીનાં પગલાંરૂપે ૩૦૦૦ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.