28 November, 2026 12:27 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લાના રોહતાંગ પાસ પર સ્નોની મજા માણતા ટૂરિસ્ટ
જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે. ગુરુવારે ૨૬ નવેમ્બરે શ્રીનગરમાં માઇનસ ૧.૯ ડિગ્રી સેલ્સિયસ સાથે સીઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. કુલગામમાં ઝાડની ડાળીઓ, જળસ્રોતો અને પાણીની પાઇપલાઇનમાં બરફ જામી ગયો હતો. વધતી ઠંડીને પગલે કાશ્મીર વિભાગની સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં શિયાળુ વેકેશન જાહેર કરાયું હતુ, જે મુજબ પ્રી-પ્રાઇમરીથી આઠમા ધોરણ સુધીની સ્કૂલો ૩૦ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી અને નવમાથી બારમા ધોરણના ક્લાસ ૧૪ ડિસેમ્બરથી ૨૨ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં બાવીસ શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચ્યું છે. ગુરુવારે રાજસ્થાનના ફતેહપુરમાં ૪.૩ અને મધ્ય પ્રદેશના કરૌંદીમાં ૬.૮ ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાયો હતો. હવામાન વિભાગે શુક્રવારે ૨૭ નવેમ્બરે રાજસ્થાનના પાંચ અને મધ્ય પ્રદેશના ૪ જિલ્લામાં શીતલહેરની યલો અલર્ટ જાહેર કરી હતી. દક્ષિણ ભારતમાં પણ ઠંડીની અસર વર્તાતાં આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુ જિલ્લામાં તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું, જ્યારે કેરલમના તિરુવનંતપુરમ અને તામિલનાડુના તિરુચેંદુરમાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં ૧૩ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની અલર્ટ અપાઈ છે. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં વિઝિબિલિટી ઘટીને ૧૦ મીટર રહી ગઈ હતી. દિલ્હીની હવા સતત બારમા દિવસે ‘ખરાબ’ કૅટેગરીમાં રહી હતી અને ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૨૨૪ નોંધાયો હતો.