29 May, 2025 07:27 AM IST | Srinagar | Prakash Bambhroliya
ઑપરેટરો સાથેની બેઠક પછી ટૂરિસ્ટોને ફરી કાશ્મીર આવવા માટેનું આમંત્રણ આપતા ઓમર અબદુલ્લા.
આતંકવાદી હુમલા બાદ ભરસીઝનમાં ગાયબ થયેલા ટૂરિસ્ટોને આકર્ષિત કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું : ઓમર અબદુલ્લાએ મહારાષ્ટ્ર અને ગુજરાતના ૪૩ ટૂર-ઑપરેટરો સાથે મંગળવારે પહલગામમાં મીટિંગ કરીને જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા હોવાની ખાતરી આપી
કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા બાવીસમી એપ્રિલે હિન્દુ પુરુષ ટૂરિસ્ટોને નામ અને ધર્મ પૂછીને ગોળીએ વીંધી નાખવામાં આવ્યા બાદ કાશ્મીરમાં કોઈ ફરવા નથી જઈ રહ્યું એટલે અહીંનું ટૂરિઝમ ભાંગી પડ્યું છે. ટૂરિસ્ટો ફરી કાશ્મીર આવે એ માટે જમ્મુ-કાશ્મીરની સરકારના ટૂરિઝમ વિભાગે કાશ્મીર ચલો અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે મંગળવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૂર-ઑપરેટરોના ડેલિગેશનને કાશ્મીર બોલાવવામાં આવ્યું હતું. તેમણે પહલગામમાં મંગળવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્ય પ્રધાને કાશ્મીરમાં હવે શાંતિ છે એમ કહીને ટૂરિસ્ટોની સલામતીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાની ખાતરી ટૂર-ઑપરેટરોને આપી હોવાનું જાણવા મળ્યું હતું.
મહારાષ્ટ્ર ટૂર ઑપરેટર્સ અસોસિએશન (MTOA)ના અધ્યક્ષ અને રાજા રાણી ટ્રાવેલ્સના ડિરેક્ટર વિશ્વજિત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપ્રિલથી જૂન મહિનામાં કાશ્મીરમાં ટૂરિસ્ટોની ચિક્કાર ગિરદી હોય છે એની સામે એક મહિનાથી ગણ્યાગાંઠ્યા ટૂરિસ્ટો જ ધરતીના સ્વર્ગ સમાન કાશ્મીરમાં જઈ રહ્યા હોવાથી કાશ્મીર ટૂરિઝમની હાલત બહુ નાજુક થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સુરક્ષાની ખાતરી આપ્યા બાદ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે અમે ટૂરિસ્ટોને કાશ્મીરમાં લાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય ૪૦ અને ગુજરાતના ત્રણ ટૂર-ઑપરેટરો ટૂરિસ્ટોને વિશ્વાસ અપાવીએ છીએ કે કાશ્મીરમાં સિક્યૉરિટી વધારવામાં આવી છે અને અહીંની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે એટલે અત્યારે ગભરાવાની જરાય જરૂર નથી. અમને વિશ્વાસ છે કે કાશ્મીર ચલો અભિયાનનો પૉઝિટિવ મેસેજ ગયા બાદ ટૂરિસ્ટો કાશ્મીરમાં આવવા લાગશે.’
ઓમર અબદુલ્લા અને તેમના પિતા ફારુક અબદુલ્લા સાથેની બેઠકમાં ટૂર-ઑપરેટર્સ વતી રજૂઆત કરી રહેલા હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર પ્રભુલાલ જોશી.
MTOAના પદાધિકારી અને મુંબઈની હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર પ્રભુલાલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા ઑપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં શાંતિ છે. હુમલાના ડરથી ટૂરિસ્ટો ગાયબ થઈ ગયા છે. જોકે હુમલાની ઘટનાને એક મહિનો થઈ ગયો છે અને મોટા ભાગે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ છે એટલે દિલ્હી અને આસપાસના વિસ્તારમાંથી ટૂરિસ્ટો ધીમે-ધીમે આવવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૂરિસ્ટો પણ કાશ્મીર આવે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઍર ટિકિટ, હોટેલ અને લોકલ લેવલે ટૅક્સી અને ઘોડાવાળા ધરખમ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. વધુ ને વધુ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા જાય એ માટે અમે ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. પહેલી જૂને મુંબઈનું એક મોટું ગ્રુપ કાશ્મીર જવા રવાના થશે.’
અમદાવાદની અજય મોદી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર અજય મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અહીં બે દિવસથી છું. ટૂરિસ્ટ વિના આખું કાશ્મીર સૂમસામ છે. અહીંની હોટેલો, ટૅક્સીવાળા અને ઘોડાવાળા સહિતના તમામ લોકો એક મહિનાથી ટૂરિસ્ટ વિના ભારે સંઘર્ષ કરી રહ્યા હોવાનું જોયું. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ટૂરિસ્ટોની સલામતીની ખાતરી આપી છે. આથી આતંકવાદીઓથી ડરવાને બદલે ધરતીના સ્વર્ગ કાશ્મીરને ટૂરિસ્ટથી ફરી ધમધમતું કરવા માટે સામૂહિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટૂર-ઑપરેટરોની બેઠકમાં મેં સ્લોગન આપ્યું હતું કે ‘ચલો કાશ્મીર, ડરો નહીં. વહાં પર ભી ઇન્સાન હી રહતે હૈં.’ ગુજરાતમાંથી અમે ટૂરિસ્ટોને કાશ્મીર લાવીને જ રહીશું. ૩૦થી ૪૦ ટકા ઓછા બજેટમાં અત્યારે કાશ્મીરમાં ફરવા જવાનો સરસ મોકો છે. અમદાવાદથી શ્રીનગરની ફ્લાઇટની ટિકિટના જ્યાં ૧૭,૦૦૦ રૂપિયા હતા એ હવે માત્ર ૭૦૦૦ રૂપિયામાં મળી રહી છે. આવી જ રીતે કાશ્મીરની હોટેલ સહિતની તમામ સુવિધામાં ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.’