કર્ણાટકમાં અલગ જ પ્રકારની ઘર વાપસી

27 December, 2014 06:43 AM IST  | 

કર્ણાટકમાં અલગ જ પ્રકારની ઘર વાપસી



હિન્દુત્વવાદી સંગઠનોએ દેશભરમાં શરૂ કરેલા ઘર વાપસી અભિયાનને કારણે વિવાદ સર્જાયો છે ત્યારે કર્ણાટકની કૉન્ગ્રેસ સરકાર એક અલગ જ પ્રકારની ઘરવાપસી કરાવવાની તૈયારીમાં છે. કર્ણાટકમાં ૧૯૩૧ પછી સૌપ્રથમ વાર જ્ઞાતિ, શિક્ષણ અને આર્થિક સ્થિતિના આધારે વસ્તીગણતરી થવાની છે, એમાં રાજ્યના સવા કરોડ પરિવારોને પોતાની મરજીની જ્ઞાતિ પસંદ કરવાની

આઝાદી મળશે. દલિત-ખ્રિસ્તી કે પછી દલિત-મુસ્લિમ કે પછી કોઈ બિનહિન્દુ જ્ઞાતિનો કોઈ પણ પરિવાર પોતાની મરજીથી કોઈ પણ હિન્દુ જ્ઞાતિનો સભ્ય બનવાનું પસંદ કરી શકશે. એ હિન્દુ જ્ઞાતિને આપવામાં આવતી બધી સુવિધાઓનો લાભ આવા પરિવારોને
મળી શકશે. દલિત-ખ્રિસ્તીઓ અને દલિત-મુસ્લિમો લાંબા સમયથી આવા અધિકારો મેળવવાની માગણી કરી રહ્યા હતા.

આ વિશે કર્ણાટકના પછાત વર્ગ પંચના અધ્યક્ષ એચ. કાન્તારાજે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં ૧૪૨૭ જ્ઞાતિઓની નોંધ કરવામાં આવી છે એ પૈકીની કોઈ પણ જ્ઞાતિની પસંદગી વસ્તીગણતરી વખતે કોઈ પણ પરિવાર કરી શકશે. કોઈ પણ પરિવાર તેને ગમે એ ધર્મ કે જ્ઞાતિની સાથે પોતાનું નામ જોડી શકશે અને કર્ણાટક સરકાર એ બાબતે કોઈ તપાસ નહીં કરાવે.’ આ વસ્તીગણતરીનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું થઈ જશે.