ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી

23 November, 2013 08:46 AM IST  | 

ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી




અનાજ, શાકભાજીના આસામાને આંબી ગયેલા ભાવને કારણે લોકો ત્રસ્ત છે ત્યારે કેન્દ્ર સરકારના માણસો લોકોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રના કાયદાપ્રધાન અને કૉન્ગ્રેસના સિનિયર નેતા કપિલ સિબલે અત્યંત બેજવાબદારીભર્યું નિવેદન આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ગરીબોએ દાળની સાથે શાકભાજી પણ ખાવાનું શરૂ કરતાં મોંઘવારી વધી છે.

ગઈ કાલે ગ્વાલિયરમાં પત્રકારોની સાથે વાત કરતી વખતે સિબલે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મોંઘવારીમાં વધારો થવા પાછળનું વિચિત્ર કારણ આપતાં સિબલે કહ્યું હતું કે પહેલાં ગરીબો માત્ર દાળ-રોટી ખાતા હતા, પણ હવે તેમણે શાકભાજી પણ ખાવાનું શરૂ કર્યું છે. એક તરફ ડિમાન્ડ વધી છે જ્યારે બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેથી જ મોંઘવારીમાં વધારો થયો છે.

ગઈ કાલે ગ્વાલિયરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી સિબલ જ્યારે જબલપુર પહોંચ્યા ત્યારે તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. તેમણે મોંઘવારી માટે રાજ્યની સરકારોને પણ જવાબદાર ગણાવી હતી.