23 December, 2025 08:47 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
તેને હૉસ્પિટલમાંથી સીધો સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો હતો.
ગુરુવારે કાનપુરની ફૅમિલી કોર્ટમાં એક લકવાગ્રસ્ત પુરુષને તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ભરણપોષણના દાવા સામે લડવા માટે હૉસ્પિટલમાંથી સીધો સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો હતો.
આ કેસ પત્ની દ્વારા ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માટે દાખલ કરાયેલી અરજી સાથે સંબંધિત છે. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ભરણપોષણ ટાળવા માટે બીમારીનું બહાનું બતાવી રહ્યો છે.
જોકે દાવાનો વિરોધ કરવા માટે પતિના પરિવારે મેડિકલ રિપોર્ટ્સ અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા અને પુરુષને તેની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવવા માટે સ્ટ્રેચર પર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
આ પુરુષના પરિવારે જણાવ્યું હતું કે ‘લગ્નના એક મહિના પછી જ દંપતી અલગ થઈ ગયું હતું. આ ઘટના બાદ પુરુષને લકવો થયો હતો. તે છેલ્લાં પાંચ વર્ષથી સારવાર લઈ રહ્યો છે અને સંપૂર્ણપણે પોતાના પરિવારજનો પર નિર્ભર છે. તે મૂળભૂત દૈનિક પ્રવૃત્તિઓ પણ કરી શકતો નથી.’
પુરુષની બહેને કહ્યું હતું કે ‘મારો ભાઈ પાંચ વર્ષથી સારવાર હેઠળ છે. તેની પત્નીએ તેને ક્યારેય ટેકો આપ્યો નથી. હવે તે ખોટા દાવા કરીને મારા ભાઈને વધુ હેરાન કરી રહી છે.’ કોર્ટે રેકૉર્ડ પર મુકાયેલા તબીબી દસ્તાવેજો અને પુરાવાઓની નોંધ લીધી હતી અને નિર્દેશ આપ્યો કે આ કેસને વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે છે.