પાકિસ્તાનનો રેકૉર્ડ તોડવા કાનપુરમાં સવા લાખ લોકોએ ગાયું જન ગણ મન

11 December, 2012 05:39 AM IST  | 

પાકિસ્તાનનો રેકૉર્ડ તોડવા કાનપુરમાં સવા લાખ લોકોએ ગાયું જન ગણ મન


અગાઉનો રેકૉર્ડ પાકિસ્તાનને નામે હતો, પાકિસ્તાનમાં ઑક્ટોબર, ૨૦૧૧માં ૪૨,૮૧૭ લોકોએ એકસાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. કાનપુરના ગ્રીન પાર્ક મેદાનમાં રવિવારે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રગીત ગાવા માટે સવા લાખ લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે આવ્યા હતા. બરાબર દસ વાગ્યાને આઠ મિનિટે સંગીતના સૂરો સાથે રાષ્ટ્રગીત ગાવાનું શરૂ થયું હતું. ઉપસ્થિત લોકોમાં દરેક વયના લોકો સામેલ હતા.

રસપ્રદ વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પ્રવેશી શક્યા ન હતા એટલે તેમણે સ્ટેડિયમની બહાર રસ્તા પર ઊભા રહીને જ રાષ્ટ્રગીત ગાયું હતું. કાનપુરની ગૅલેક્સી મ્યુઝિકલ એન્ટરટેનર નામની સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં ઉપસ્થિત ગિનિઝ વલ્ર્ડ રેકૉર્ડના પ્રતિનિધિ રાજેશ મેહરાએ કહ્યું હતું કે આયોજનમાં કુલ ૧,૧૨,૧૭૨ લોકો સામેલ હતા. તેમણે કહ્યું હતું કે અન્ય માપદંડોની ચકાસણી થયા બાદ વલ્ર્ડ રેકૉર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.