કમલનાથ કેબિનેટની થઈ રચના, જાણો કોનું પલડું રહ્યું ભારે

25 December, 2018 06:45 PM IST  | 

કમલનાથ કેબિનેટની થઈ રચના, જાણો કોનું પલડું રહ્યું ભારે

કમલનાથ કેબિનેટના મંત્રીઓએ લીધી શપથ

કમલનાથ કેબિનેટની તસવીર આજે સાફ થઈ ગઈ છે. રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. જેની શરૂઆત વિજયાલક્ષ્મી સાધૌથી થઈ. જે બાદ બાકીના ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. કમલનાથની કેબિનેટમાં જાતિગત સમીકરણો, ક્ષેત્રીય રાજકારણ અને ક્ષત્રપોને સંતુષ્ટ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. કેબિનેટમાં બે મહિલાઓ અને એક OBCનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નર્મદા પ્રસાદ પ્રજાપતિનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.

કેબિનેટમાં મુખ્યમંત્રીના 10 નજીકના લોકોને જગ્યા મળી છે. તેના સિવાય પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની છાવણીમાંથી પણ 9 ધારાસભ્યોને પણ કેબિનેટમાં જગ્યા મળી છે. ત્યારે ચંબલ- ગ્વાલિયર વિસ્તારમાં પાર્ટીને મોટી જીત અપાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાની છાવણીમાંથી સાત ધારાસભ્યોને આ કેબિનેટમાં મોકો મળ્યો છે. જેમાં પ્રદ્યુમ્ન સિંહ તોમર, તુલસી સિલાવટના નામ મુખ્ય છે.

કમલનાથની આ કેબિનેટમાં સૌથી મોટો મહિલા ચહેરો વિજયલક્ષ્મી સાધૌનો છે. જે પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. આ વખતે પણ તેઓ મહેશ્વરી બેઠકથી જીત્યા. સાધૌ સિવાય સજ્જન સિંહ વર્માએ પણ આજે મંત્રી પદના શપથ લીધા. આ વખતે તેઓ સોનકચ્છ બેઠકથી ચૂંટણી જીત્યા છે અને અનુસૂચિત જાતિના મોટા નેતા માનવામાં આવે છે. તેમને મુખ્યમંત્રી કમલનાથથી નજીક માનવામાં આવે છે. તેઓ દિગ્વિજય સિંહની સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે. તેઓ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પણ હતા. માલવા- નિમાડની રાજનીતિમાં તેઓ મોટું નામ છે.

હુકૂમ સિંહ કરાડા, ડૉ. ગોવિંદ સિંહ,ઉમંગ સિંઘાર પણ  સ્થાનિક સ્તરે જાણીતા અને મોટા નામો છે જેને કમલનાથની કેબિનેટમાં જગ્યા મળી છે. સાથે હર્ષ યાદવ, જયવર્ધન સિંહ, જીતૂ પટવારી, કમલેશ્વર પટેલ, લખન ઘનઘોરિયા, મહેંદ્ર સિંહ સિસૌદિયા, પીસી શર્મા, સચિન યાદવે પણ આજે શપથ લીધા.

madhya pradesh