Kaali Poster Controversy: TMC સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન બાદ FIR દાખલ

06 July, 2022 02:11 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

પાર્ટીના ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યું

ફાઇલ તસવીર

ડોક્યુમેન્ટરી ફિલ્મ `કાલી`ના પોસ્ટરને લઈને હાલ વિવાદ સર્જાયો છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું છે. હકીકતમાં, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે માતા કાલી પર નિવેદન આપ્યું હતું, ત્યારબાદ તૃણમૂલ કૉંગ્રેસે મોઇત્રાના નિવેદનથી પાર્ટીને દૂર કરી હતી. જોકે, મહુઆ મોઇત્રા હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટ્વિટર પર ફોલો કરી રહી છે.

ફિલ્મના પોસ્ટરમાં મા કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે એક હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પણ દેખાય છે. આ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ફિલ્મ છે.

જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ મંગળવારે હિન્દુઓની દેવી કાલી પર ટિપ્પણી કરી હતી. ટીએમસી સાંસદે કહ્યું હતું કે “મા કાલી તેમના માટે માંસ ખાનાર, દારૂ (Wine) પીનાર દેવી છે.” તેમણે આ વાત કાલી ફિલ્મના પોસ્ટર વિવાદ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહી હતી. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે “જ્યારે તમે સિક્કિમ જશો ત્યારે તમે જોશો કે તેઓ કાલી દેવીને વ્હિસ્કી અર્પણ કરે છે, પરંતુ જો તમે યુપી જશો તો તેઓ તેને દેવીનું અપમાન માનશે.”

ઉલ્લેખનીય છે કે આ મામલે હવે મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

national news tmc