દર વર્ષે ૨.૫ ઇંચ જેટલા ધસી રહ્યા છે જોશીમઠ અને આસપાસના વિસ્તારો

12 January, 2023 11:09 AM IST  |  Joshimath | Gujarati Mid-day Correspondent

મંદિરોના શહેર ગણાતા જોશીમઠથી ૯૦ કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ તિરાડો દેખાવા લાગી છે

જોશીમઠમાં આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો રાહત માટે તહેનાત એનડીઆરએફ, એસડીઆરએફ તથા પોલીસના જવાનો.

નવી દિલ્હી : જોશીમઠ અને એની આસપાસના વિસ્તારો દર વર્ષે ૬.૫ સેમી અથવા ૨.૪ ઇંચના ​દરે ધસી રહ્યા છે એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. દેહરાદૂનમાં આવેલી સંસ્થાએ આ વિસ્તારનો સૅટેલાઇટ ડેટા પણ ઉપયોગમાં લીધો છે, જેમાં ઘણી જમીનની અંદર ઘણી ટેક્ટોનિક પ્રવૃત્તિ દેખાઈ છે. મંદિરોના શહેર તરીકે જાણીતું જોશીમઠ ડૂબી રહ્યું હોવાની વાત ઘણા વખતથી કહેવામાં આવી રહી છે, પરંતુ આ વર્ષે બિલ્ડિંગ અને રોડમાં વિશાળ તિરોડો દેખાઈ છે. માત્ર અહીં જ નહીં, અહીંથી ૯૦ કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ તિરાડો પડવા લાગી છે. જોશીમઠના સ્થાનિક લોકો આ તિરાડો માટે એનટીપીસીના તપોવન પ્રોજેક્ટને જવાબદાર ગણાવે છે. 

ઉપગ્રહ દ્વારા જુલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી ફોટોઝ લેવામાં આવ્યા હતા, જેમાં રેડ ડૉટ ડૂબતા ભાગો બતાવે છે. ડેટામાં માત્ર જોશીમઠ શહેર જ નહીં, અન્ય ભાગો પણ દેખાય છે, જે સમગ્ર ખીણમાં ફેલાયેલા છે. જોશીમઠના ૧૧૦ પરિવારોએ ઘર છોડી દીધું છે. આખા શહેરને ખાલી કરવાની યોજના છે. 

આ પણ વાંચો : News In Short: જોશીમઠમાં સૅટેલાઇટ દ્વારા સર્વે પછી ૪૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું

નાણાકીય સહાયની રાજ્ય સરકારની ઘોષણા

અસરગ્રસ્ત પરિવારો માટે ઉત્તરાખંડની સરકારે વચગાળાની રાહત આપવાની જાહેરાત કરી છે. સીએમના સચિવ આર. મીનાક્ષી સુંદરે કહ્યું હતું કે દરેક પરિવારને ૧.૫૦ લાખ રૂપિયા અપાશે, જે પૈકી ૫૦,૦૦૦ રૂપિયા ઘર બદલવા માટે અને ૧ લાખ રૂપિયા આપત્તિ રાહત પેટે આપવામાં આવશે. જે લોકો ભાડાના મકાનમાં જવા માગે છે એમને દર મહિને ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

પ્રતિબંધ છતાં રાતના અંધારામાં જોશીમઠ પાસે ડ્રિલિંગ

ઉત્તરાખંડના જોશીમઠમાં ઑથોરિટીઝની જીવલેણ લાપરવાહી જોવા મળી છે. અહીં ડ્રિલિંગ ઍક્ટિવિટીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં મંગળવારે મોડી રાતે ડ્રિલિંગની કામગીરી ફરી શરૂ થઈ હતી. જોશીમઠને અડીને આવેલા વિસ્તારમાં હાઇવે પાસે પહાડોમાં મંગળવારે રાતે બે વાગ્યે ડ્રિલિંગ અને પથ્થરોને તોડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું એક ન્યુઝ ચૅનલના કૅમેરામાં ઝડપાયું હતું. આ હાઇવે આ વિસ્તારને બદરીનાથની સાથે જોડે છે. પથ્થરો તોડનારાઓએ તેમની કામગીરી પૂરી કર્યા બાદ ઘટનાસ્થળથી ક્રેન્સ પથ્થરોને લઈને જતી જોવા મળી હતી. ડ્રિલિંગનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાતો હતો, પરંતુ વર્કર્સને અટકાવવા માટે કોઈ પણ નહોતું. ભૂસ્ખલન અને જમીન ધસી પડવાને કારણે જોશીમઠમાં અને એની આસપાસ તમામ બાંધકામ કામગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

national news uttarakhand