05 August, 2025 01:09 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
દ્રૌપદી મુર્મુ, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીમાં હેમંત સોરેનને મળીને તેમના પિતા શિબુ સોરેનના અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કર્યાં હતાં.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સંસ્થાપક ૮૧ વર્ષના શિબુ સોરેને ગઈ કાલે સવારે ૮.૫૬ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીની સર ગંગા રામ હૉસ્પિટલમાં દાખલ હતા. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને દોઢ મહિના પહેલાં સ્ટ્રોક પણ આવ્યો હતો. તેઓ છેલ્લા એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમના પુત્ર અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને એક પોસ્ટમાં આ જાણકારી આપતાં લખ્યું હતું કે આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ગયા છે, આજે હું શૂન્ય થઈ ગયો છું.
શિબુ સોરેનના નિધન વિશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હેમંત સોરેનને મળીને તેમને સાંત્વન આપ્યું હતું.
શિબુ સોરેનના પાર્થિવ દેહને દિલ્હીથી ઝારખંડ તેમના રાંચીના મોરહાબાદીસ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. રામગઢ જિલ્લાના તેમના વતન ગામ નેમરામાં આજે બપોરે ૩ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શિબુ સોરેન છેલ્લાં ૩૮ વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હતા અને પાર્ટીના સ્થાપક આશ્રયદાતા તરીકે જાણીતા છે.
લાંબી રાજકીય સફર
શિબુ સોરેનનો જન્મ ૧૯૪૪ની ૧૧ જાન્યુઆરીએ રામગઢના નેમરા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમણે આદિવાસી સમુદાયની સમસ્યાઓ, શોષણ અને અન્યાયને નજીકથી જોયાં હતાં. ૧૯૬૦ના દાયકામાં તેમણે આદિવાસી અધિકારો અને જળ-જંગલ-જમીનના રક્ષણ માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ૧૯૭૦ના દાયકામાં તેમણે ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની સ્થાપના કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ અલગ ઝારખંડ રાજ્યની માગણી કરતી ચળવળ ચલાવવાનો હતો. આ ચળવળમાં તેમણે આદિવાસીઓના જમીન છીનવવાના શોષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. ૧૯૮૦માં શિબુ સોરેન પહેલી વાર લોકસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૮ વખત લોકસભામાં ચૂંટાયા હતા અને ત્રણ વખત રાજ્યસભાના સંસદસભ્ય રહ્યા હતા. તેમણે ઝારખંડ રાજ્યની રચનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયાસો અને લાંબા સંઘર્ષના પરિણામે ૨૦૦૦ની ૧૫ નવેમ્બરે ઝારખંડ રાજ્યની રચના થઈ હતી. રાજ્યની રચના પછી શિબુ સોરેન ૨૦૦૫, ૨૦૦૮ અને ૨૦૦૯માં ત્રણ વખત ઝારખંડના મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે રાજકીય અસ્થિરતા અને ગઠબંધનના ઝઘડાને કારણે તેમનો કાર્યકાળ લાંબો સમય ટકી શક્યો નહીં. તેમની રાજકીય સફરમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા. તેમના પર ભ્રષ્ટાચાર અને હત્યા જેવા ગંભીર કેસોમાં આરોપ મૂકવામાં આવ્યો હતો જોકે પાછળથી તેમને ઘણા કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
એક પંખીના મૃત્યુએ શિબુ સોરેનને શાકાહારી બનાવ્યા
શિબુ સોરેન નવ વર્ષના હતા ત્યારે તેમના જીવનને સામાજિક કાર્યો તરફ વળાંક મળ્યો હતો. તેમના પિતા સોબરન સોરેન ઘરમાં મોરના પંખ કાઢી રહ્યા હતા ત્યારે તેમનું પાળતુ ભેંગરાજ પંખી વારંવાર તેમના પગમાં ચાંચ માર્યા કરતું હતું. પિતાએ માત્ર બંદૂકના નાળચાથી પંખીને હટાવવાની કોશિશ કરી હતી, પણ ભૂલથી પંખી મરી ગયું. એ પછી શિબુએ આ પંખી માટે વાંસનો ખાટલો બનાવ્યો, કફન ઓઢાડ્યું અને દાહસંસ્કારની વિધિ કરીને આજીવન શાકાહારી રહેવાનું નક્કી કરીને અહિંસક જીવનશૈલીને મૂળ મંત્ર બનાવી લીધો.
પિતા સોબરન સોરેન શિક્ષક હતા અને આદિવાસીઓના હક માટે જાગૃતિ અભિયાન ચલાવતા હતા. શિબુ કૉલેજમાં હતા ત્યારે પિતાની હત્યા થતાં તેમણે આદિવાસીઓ માટેનું અભિયાન હાથમાં લીધું અને એને પગલે રાજનીતિમાં પણ આવ્યા.