ફેસબુકે ઝારખંડની બીટેક સ્ટુડન્ટને ૫૬ લાખ રૂપિયાનું પૅકેજ ઑફર કર્યું

17 August, 2012 08:57 AM IST  | 

ફેસબુકે ઝારખંડની બીટેક સ્ટુડન્ટને ૫૬ લાખ રૂપિયાનું પૅકેજ ઑફર કર્યું

 

 

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે ઝારખંડના ધનબાદમાં આવેલી ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સ (આઇએસએમ)માં કમ્પ્યુટર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગમાં બીટેકનો અભ્યાસ કરી રહેલી યુવતીને વાર્ષિક ૫૬ લાખ રૂપિયાના વેતન સાથેની જૉબ ઑફર કરી છે. આઇએસએમના ૮૬ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સ્ટુડન્ટને આટલા મોટા પગારની જૉબ ઑફર થઈ છે. રચના નંદન નામની આ યુવતીએ હજી તો ડિગ્રી પણ નથી મેળવી. અત્યારે તે બીટેકના છેલ્લા વર્ષમાં છે.

 

મૂળ પટનાની વતની રચનાએ ૧૨મા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ આઇઆઇટીમાં પ્રવેશ માટે જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઈઈ) આપી હતી. જોકે એમાં ૫૦૬૪ રૅન્ક આવતાં તેને ઍડ્મિશન નહોતું મળી શક્યું. એ પછી તેણે ધનબાદમાં આવેલી આઇએસએમમાં પ્રવેશ મેળવ્યો હતો. રચનાના પિતા આસામના નૌગાંવમાં આવેલી એક પેપરમિલમાં મેકૅનિકલ એન્જિનિયર છે. તેણે ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ આસામમાં જ કર્યો હતો.

 

કેવી રીતે મળી લાખોના વેતનની નોકરી?

 

ફેસબુકના અધિકારીઓ દ્વારા એક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા ધનબાદ, જયપુર, હૈદરાબાદ સહિતનાં શહેરોની એન્જિનિયરિંગ કૉલેજોમાં લેવામાં આવી હતી. પરીક્ષાના પહેલા રાઉન્ડમાં ઑનલાઇન કોડિંગને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં પાસ થયેલા ૧૧ સ્ટુડન્ટ્સને ઇન્ટરવ્યુ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ચાર રાઉન્ડના ઇન્ટરવ્યુ બાદ રચનાની પસંદગી કરવામાં આવી હતી. રચનાએ કહ્યું હતું કે ઇન્ટરવ્યુમાં પુછાયેલા કેટલાક સવાલોના જવાબ ખબર નહીં હોવાથી તે ગભરાઈ ગઈ હતી. જોકે બાદમાં સવાલ પૂછનારાઓએ તેને આ સવાલ સારી રીતે સમજાવ્યા હતા, એ પછી તે જવાબ આપી શકી હતી.

 

 

બીટેક = બૅચરલ ઑફ ટેક્નૉલૉજી, આઇઆઇટી = ઇન્ડિયન ઇãન્સ્ટટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી