12 May, 2026 12:22 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોનું ઓછું ખરીદવાની વડા પ્રધાનની અપીલ બાદ કાલબાદેવીની એક જ્વેલરી શૉપમાં ગ્રાહકોને સોનાના દાગીના બતાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ એશિયાના યુદ્ધ અને એને કારણે ક્રૂડ ઑઇલના વધતા ભાવ જોતાં આવનારો સમય કપરો હોઈ શકે છે એવી ચેતવણી આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરકસરનાં પગલાં લેવા એક વર્ષ સોનું ન ખરીદવાની અપીલ કરી છે. દેશમાં સોનું મોટા પાયે ઇમ્પોર્ટ થાય છે એટલે વિદેશી હૂંડિયામણ બચાવવા આ અપીલ કરવામાં આવી હતી. જોકે આ સામે ઝવેરીઓએ મિશ્ર પ્રતિભાવ આપ્યા છે. મોટા ભાગના ઝવેરીઓનું કહેવું છે કે જો એક વર્ષ સુધી ગ્રાહકો જ નહીં આવે તો અમારે ધંધો કઈ રીતે ચલાવવો? અમારી સાથે અમારા કર્મચારીઓ અને દાગીના બનાવનારા કારીગરોના પરિવારો નભે છે. જો લોકો સોનું ખરીદવાનું બંધ કરશે તો આ લાખો લોકોના રોજગાર પર એની માઠી અસર પડશે.
અન્ય કેટલાક ઝવેરીઓએ કહ્યું હતું કે ‘આપણે ત્યાં લગ્નપ્રસંગે અને તહેવારોમાં શુકન નિમિત્તે પણ સોનું ખરીદવાની પરંપરા છે. એટલે લોકો સાવ સોનું ન જ લે એવું તો નહીં બને, પણ એવું બની શકે કે તેઓ તેમની જરૂરિયાત પૂરતું જ સોનું લે. હાલ શોખને માટે લેવાતી જ્વેલરી લેવાનું માંડી વાળે.’
અન્ય એક જ્વેલરે કહ્યું હતું કે ‘હજી પણ સોનું મુસીબતના સમયે કામ લાગે એવું મહત્ત્વ તો ધરાવે જ છે. એથી અનેક લોકો સોનામાં સેવિંગ કરે છે. એ સેવિંગ ઓછું કરશે પણ કરશે તો ખરા જ.’
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના નૅશનલ જનરલ સેક્રેટરી અને પ્રવક્તા નીતિન કેડિયાએ આ બાબતે કહ્યું હતું કે ‘વિદેશી હૂંડિયામણ બચાવવું કે ૩.૫ કરોડ લોકોનો રોજગાર બચાવવો એ બેમાંથી એકની પસંદગી કરવી જરૂરી નથી. જો યોગ્ય નીતિ અપનાવવામાં આવે તો બન્નેનો ઉકેલ આવી શકે એમ છે. ભારતમાં મોટા ભાગનું સોનું લોકોની તિજોરીમાં, બૅન્કોના વૉલ્ટમાં, મંદિરોમાં બંધ પડ્યું છે. સરકાર જો યોગ્ય નીતિ બનાવી એને મૉબિલાઇઝ કરીને ઝવેરીઓ સુધી પહોંચાડવામાં આવે તો બન્ને બાબતો સચવાઈ જાય એમ છે. ભારતનું ગોલ્ડ ભારતમાં જ રહેશે અને એ માર્કેટમાં ફરતું થતાં ઇકૉનૉમીને પણ બઢાવો મળશે. એનાથી વર્ષેદહાડે ૨૦૦-૩૦૦ ટન સોનું ઇમ્પોર્ટ ઓછું થશે. ભારતની જ્વેલરી ઇકોસિસ્ટમ કમજોર નથી જ, પણ હવે ગોલ્ડ ઇકોસિસ્ટમને આધુનિક બનાવવી પડશે.’
ભારત દર વર્ષે અંદાજે ૭૦૦થી ૮૦૦ ટન સોનાનો વપરાશ કરે છે. દેશમાં સોનાનું ઉત્પાદન માત્ર એકથી બે ટન જેટલું જ મર્યાદિત હોવાથી ભારત પોતાની ૯૦ ટકાથી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ક્રૂડ ઑઇલ પછી સોનું ભારતની આયાતયાદીમાં બીજા ક્રમે છે, જે કુલ આયાતબિલના લગભગ ૯ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. પશ્ચિમ એશિયામાં તનાવને કારણે તેલ અને ખાતરના ભાવ વધી રહ્યા છે ત્યારે સોના જેવી બિનઔદ્યોગિક વસ્તુઓની આયાત ઘટાડીને વિદેશી હૂંડિયામણ બચાવવું દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બન્યું છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં સોનાની આયાતમાં છેલ્લા કેટલાક મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જેમાં જાન્યુઆરીમાં ૧૦૦ ટન, માર્ચમાં વીસથી બાવીસ ટન અને એપ્રિલમાં માત્ર ૧૫ ટન (કોરોનાકાળ સિવાયના દાયકાઓનું સૌથી નીચું સ્તર) આયાત થઈ હતી.