06 March, 2026 10:12 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પટનામાં JDUની ઑફિસની બહાર નીતીશ કુમારના નિર્ણયનો વિરોધ પાર્ટીના કાર્યકરોએ કર્યો તથા ઑફિસમાં કરવામાં આવેલી તોડફોડ આ રહી
બિહારના રાજકારણમાં ગઈ કાલે જાણે એક યુગનો અંત આવ્યો હતો. મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાનો નિર્ણય લેતાં રાજ્યનાં રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયાં છે. તેમના આ નિર્ણયથી નારાજ પક્ષના કાર્યકરોએ પટનાસ્થિત જનતા દલ-યુનાઇટેડ (JDU)ના કાર્યાલયમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ પણ કરી હતી.
નીતીશ કુમારના રાજીનામાના સમાચાર વાયુવેગે પ્રસરતાંની સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરો પક્ષના કાર્યાલય પર ઊમટી પડ્યા હતા. વિરોધ-પ્રદર્શન કરી રહેલા સમર્થકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
કાર્યકરોએ ઑફિસની અંદર ઘૂસીને ફર્નિચર, ટેબલ અને ખુરસીઓની તોડફોડ કરી હતી જેનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ફરવા લાગ્યો છે. એમાં પક્ષના કાર્યાલયના પરિસરમાં તૂટેલી પ્લેટો અને વેરવિખેર સામાન જોઈ શકાય છે. આ ઑફિસમાં લંચનો કાર્યક્રમ ગોઠવાયો ત્યારે આ તોડફોડ થઈ હતી.
કાર્યકરોએ નીતીશ કુમારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે માત્ર ૪ મહિના પહેલાં જ દસમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા નીતીશ કુમારે હવે દિલ્હીના રાજકારણ તરફ પ્રયાણ કર્યું છે. ગુરુવારે તેમણે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સાથે જ બિહારમાં તેમના લાંબા શાસનનો નાટ્યાત્મક અંત આવ્યો છે.